જ. 28 નવેમ્બર, 1820 અ. 5 ઑગસ્ટ, 1895

જર્મન સમાજવાદી ચિંતક અને કાર્લ માર્કસના નિકટના સાથી ઍંજલ્સ ફ્રેડરિકનો જન્મ બાર્મેન પ્રુશિયામાં એક પૈસાદાર કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટા ભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે કાર્લ માર્કસ સાથે પ્રથમ મુલાકાત થઈ જે આધુનિક સામ્યવાદી વૈજ્ઞાનિક વિચારસરણીના ઘડતરમાં નિર્ણાયક સાબિત થઈ. ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક તરીકે ઍંજલ્સ પ્રખ્યાત બન્યા. માર્કસે સંપાદિત કરેલા ઍંજલ્સના બે લેખો જર્મન ફ્રેન્ચ ઇયર બુકમાં પ્રકાશિત થયા હતા. માન્ચેસ્ટર અને સાલફોર્ડ જેવાં ઇંગ્લૅન્ડનાં ઔદ્યોગિક નગરોમાં વસતા કામદાર વર્ગની હાલાકી તથા કંગાલિયતનું પ્રત્યક્ષ અવલોકન કરવાની તેમને તક મળી હતી. જે તેમના પુસ્તક ‘ધ કન્ડિશન ઑવ્ વર્કિંગ ક્લાસ ઇન ઇંગ્લૅન્ડ, ઍન્ટિ દુહરિંગ(Anti Duhring)માં સ્પષ્ટપણે દેખાય છે. તેમના ‘ઓરિજિન ઑવ્ ધ ફૅમિલી પ્રાઇવેટ પ્રોપર્ટી ઍન્ડ ધ સ્ટેટ’માં ખાનગી મિલકત તથા પુરુષવર્ગના વર્ચસ પર આધારિત સમાજવ્યવસ્થામાં સ્ત્રીવર્ગની પરાધીનતા વખોડી કાઢવામાં આવી છે. ‘ધ હોલિ ફૅમિલી’ (1845), ‘ધ જર્મન આઇડિયોલૉજી’ (1845) તથા ‘ધ કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો’ (1848) એ ત્રણ માર્કસ તથા ઍંજલ્સની સંયુક્ત કૃતિઓ છે. ઉપરાંત ‘ફ્રેડરિક ઓસ્વાલ્ડ’ તખલ્લુસથી ઍંજલ્સે લખેલા ઘણા લેખો તત્કાલીન વર્તમાનપત્રો તથા સામયિકોમાં પ્રકાશિત થયા હતા. માર્કસના અવસાન (1883) પછી તેના શકવર્તી ગ્રંથ ‘દાસ કૅપિટલ’ના બીજા તથા ત્રીજા ભાગને માર્કસનાં કાચાં લખાણોને આધારે સંકલિત અને સંપાદિત કરી પ્રકાશિત કરવામાં ઍંજલ્સે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્લ માર્કસમાં તલસ્પર્શી વિશ્લેષણ કરવાનું કૌશલ્ય હતું તો ઍંજલ્સમાં કુશાગ્ર બુદ્ધિમત્તા, પ્રખર પાંડિત્ય તથા કામદારવર્ગની તત્કાલીન પરિસ્થિતિનું સ્વાનુભવ પર આધારિત ભાથું હતું. બંનેના સંયુક્ત પ્રયાસથી જ વૈજ્ઞાનિક સમાજવાદ(માર્કસવાદ)ની વિચારસરણીનો જન્મ થયો છે. ઍંજલ્સને માર્કસના વૈચારિક ઉત્તરાધિકારી ગણવામાં આવે છે.
અમલા પરીખ
