જ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૦૯ અ. ૮ ઑક્ટોબર, ૧૯૯૮

ભારતના પ્રખર અર્થશાસ્ત્રી મોહનલાલ દાંતવાલાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા લલ્લુભાઈ હાથીદાંતની વસ્તુઓ વેચવાનો વ્યવસાય કરતા હોવાથી તેમના કુટુંબની અટક દાંતવાલા પડી. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ મહારાષ્ટ્રના ધૂળે ગામમાં કર્યો. ૧૯૩૦માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને અર્થશાસ્ત્ર માટેનું જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. તેને કારણે ત્યાં જ તેઓ ફેલો નિમાયા. ત્યારબાદ એમ.એ. પાસ કરીને મુંબઈની યુનિવર્સિટી ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયોલૉજીમાં દાખલ થયા. તે દરમિયાન સવિનય કાનૂનભંગની ચળવળમાં ગુપ્ત રીતે ભાગ લેવા બદલ ૧૯૩૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ૧૯૪૧થી ૧૯૪૫ વચ્ચે અમદાવાદની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. તે દરમિયાન આંદોલનોમાં સક્રિય ભાગ લેવા બદલ અઢી વર્ષનો જેલવાસ ભોગવ્યો. ૧૯૪૬થી મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં કૃષિ-અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. કૃષિ-અર્થશાસ્ત્રને લગતી અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતાં સામયિકોમાં તેમણે અનેક લેખો લખ્યા હતા. ઘણી અગ્રણી સંસ્થાઓની સ્થાપનામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સીઝ રિસર્ચ, વલ્લભવિદ્યાનગર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, અમદાવાદ વગેરે સહિત અનેક સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે. ઘણી બધી વ્યાવસાયિક સંસ્થાઓમાં પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેઓ અનેક ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ સંસ્થાઓમાં સંપાદકમંડળના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે, જેમાં મુખ્યત્વે મુંબઈ યુનિવર્સિટીના ‘જેમ્સ ટેલર પ્રાઇઝ’, દાદાભાઈ નવરોજી મેમોરિયલ ફેલોશિપ પ્રાઇઝ તથા ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઍવૉર્ડનો સમાવેશ થાય છે. તેમના ગ્રંથ ‘એ હંડ્રેડ ઇયર્સ ઑવ્ ઇન્ડિયન કૉટન’(૧૯૪૭)ની પ્રસ્તાવના પંડિત નહેરુએ લખી હતી. તેઓ ‘નૅશનલ પ્રોફેસર’નું બિરુદ પણ ધરાવે છે. ભારત સરકારે ૧૯૬૯માં તેમને પદ્મભૂષણનો ખિતાબ આપ્યો હતો.
શુભ્રા દેસાઈ
