એમ. એસ. સુબ્બુલક્ષ્મી


જ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૦૪

અત્યંત મધુર કંઠ, સંસ્કૃત ભાષાના ઉચ્ચારની સ્પષ્ટતા, આરોહ-અવરોહની ખૂબી તથા લય અને તાલની મોહિની ધરાવતાં એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ મદુરાઈમાં એક જાણીતા સંગીત પરિવારમાં થયો હતો. તેથી બાળપણથી જ સુબ્બુલક્ષ્મીને સંગીતના સંસ્કાર મળ્યા હતા. ફક્ત ચાર ધોરણ સુધી અભ્યાસ કરી તેમણે શાળાકીય શિક્ષણ લેવાનું છોડી દીધું અને સમગ્ર ધ્યાન સંગીતસાધનામાં પરોવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તો તેઓ કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં નિપુણતા મેળવી ચૂક્યાં હતાં. ૧૯૪૦માં તેમનાં લગ્ન શ્રી ટી. સદાશિવમ્ સાથે થયાં હતાં. પતિ પાસેથી તેમને સંગીતમાં માર્ગદર્શન, મદદ અને મમતાભરી માવજત મળી. ૧૯૪૪માં મુંબઈમાં અખિલ ભારતીય સંગીત સંમેલનમાં કાર્યક્રમ રજૂ કરી તેમણે ભારતભરમાંથી આવેલા સંગીતકારોને પ્રભાવિત કર્યા હતા. સૌંદર્ય અને સૂરોનો અનોખો સંગમ ધરાવતાં આ કલાકારે ૧૮ વર્ષની ઉંમરે તમિળ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું. તેમની ફિલ્મ ‘મીરાં’એ અદભુત સફળતા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મમાં ૧૮ જેટલાં ભજનો તેમણે પોતાના સુરીલા કંઠે ગાયાં હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. સુબ્બુલક્ષ્મીએ કર્ણાટકી સંગીતનું શિક્ષણ માતાથી માંડીને અરિયકુડી રામાનુજ આયંગર જેવા મહાન દક્ષિણ ભારતીય સંગીતકારો દ્વારા પ્રાપ્ત કર્યું તો દ્વિજેન્દ્રલાલ રૉય પાસેથી ઉત્તર હિન્દુસ્તાની શૈલીના ‘ખયાલ’ અને સિદ્ધેશ્વરી દેવી પાસેથી ‘ઠૂમરી’ અને ‘ટપ્પા’નું શિક્ષણ મેળવ્યું હતું. મીરાંનાં ભજનો ગાયાં બાદ સૂરદાસ, કબીર, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે અનેક ભક્તકવિઓનાં ભજનો અને પદોને મધુર કંઠ આપ્યો હતો. તેમણે અનેક વાર ગાંધીબાપુની સમક્ષ સંગીત પીરસ્યું હતું. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં તેમણે રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ પણ સંગીત પીરસ્યું હતું. સુબ્બુલક્ષ્મીએ દેશ-વિદેશમાં કરેલા પોતાના કાર્યક્રમો દ્વારા અનેક સંસ્થાઓને સમાજોપયોગી કાર્યો માટે લાખો રૂપિયાનું નાણાભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’, ૧૯૫૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૪માં મૅગ્સેસે ઍવૉર્ડ, ૧૯૭૫માં ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૯૮માં તેમને ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ પણ એનાયત થયો હતો. આ સન્માન મેળવનારાં તેઓ સર્વપ્રથમ સંગીતકાર હતાં.