જ. ૪ સપ્ટેમ્બર, ૧૯૨૫ અ. ૨ ફેબ્રુઆરી, ૨૦૦૬

શ્રી એસ. કે. રામચંદ્ર રાવનું પૂરું નામ શાલિગ્રામ ક્રિષ્ના રામચંદ્ર રાવ છે. તેઓ ભારતીય લેખક, મનોવિજ્ઞાનના અધ્યાપક અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમનો જન્મ કર્ણાટકના હસ્સન નામે નાનકડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે તેમનું બાળપણ દાદા-દાદી સાથે બૅંગાલુરુમાં વિતાવ્યું હતું. તેમણે સંસ્કૃતના અભ્યાસની શરૂઆત વિદ્વાન અગ્નિહોત્રી યજ્ઞવિઠ્ઠલાચાર પાસે કરી હતી. સંસ્કૃત શિક્ષણની આ તાલીમ પાછળથી તેમને પુસ્તકોનાં લેખનમાં ખૂબ ઉપયોગી નીવડી હતી. જ્યારે તેમના દાદાનું અવસાન થયું, તેઓ પોતાનાં માતાપિતા સાથે રહેવા નાનકડા ગામમાં ગયા. પછી તરત જ મૈસૂર જઈ શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ઈ. સ. ૧૯૪૯માં તેઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે એમ.એ. થયા. ઈ. સ. ૧૯૫૪થી ૧૯૬૫ સુધી તેઓ ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ’(હવે NIMHANS)માં અધ્યાપક હતા. ૧૯૬૨માં તેમની પાસેથી ‘ધ ડેવલપમેન્ટ ઑફ સાઇકોલૉજિકલ થૉટ ઇન ઇન્ડિયા’ પુસ્તક મળ્યું. ૧૯૬૫માં NIMHANS છોડ્યા પછી તેમણે બૅંગાલુરુની અનેક સંસ્થાઓમાં સાઇકોલૉજી, ફિલૉસૉફી, ઇન્ડોલૉજી, શિક્ષણ અને સમાજકાર્યવિષયક મુલાકાતી અધ્યાપક તરીકે સેવા બજાવી હતી. તેમનાં મોટા ભાગનાં લખાણો ભારતીય સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, કલા, સંગીત અને સાહિત્યવિષયક છે. તેમનાં લખાણોનો આધાર પ્રાચીન ભારતીય ગ્રંથો અને હસ્તપ્રતો છે. તેઓ ચિત્રકલા અને શિલ્પકલાના પણ જાણકાર હતા. બૅંગાલુરુના રવીન્દ્રકલાક્ષેત્રમાં તેમની આ કલાના નમૂનાઓ કાયમી ધોરણે સ્થાન પામ્યા છે. તેમના મૃત્યુ સમયે તેઓ ઋગ્વેદ પરની ૩૨ ગ્રંથોની યોજના માટે લેખનકાર્ય કરતા હતા. તેમના મૃત્યુ પછી ખંડ સોળમો ૨૦૦૭માં પ્રકાશિત થયો હતો. બૅંગાલુરુમાં તેમનું અવસાન થયું હતું.
શ્રદ્ધા ત્રિવેદી
