ઑટો વૉન બિસ્માર્ક


જ. 1 એપ્રિલ, 1815 અ. 30 જુલાઈ, 1897

જર્મન સામ્રાજ્યના સર્જક, પ્રથમ ચાન્સેલર અને તે સમયના પ્રશિયાના વડાપ્રધાન બિસ્માર્કનો જન્મ શોનહોઝન, પ્રશિયામાં થયો હતો. તેઓ પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું હતું. 1847માં પ્રશિયાની ધારાસભાના સભ્ય બન્યા. 1859માં તેમને પ્રશિયાના એલચી તરીકે રશિયા તથા તે પછી 1862માં ફ્રાન્સ મોકલવામાં આવ્યા. એ જ વર્ષે તેઓ પ્રશિયાના વડાપ્રધાન બન્યા. તેઓ કુશળ રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી હતા. તેમણે વર્તમાનપત્રો પર નિયંત્રણો મૂક્યાં. વિરોધીઓને દબાવી દીધા. તે પછીના દાયકામાં ત્રણ યુદ્ધો દ્વારા જર્મનીનું એકીકરણ કર્યું. જર્મન રાજ્યોને એકત્રિત કરી જર્મન સંઘની રચના કરી હતી. પ્રશિયાનો રાજા વિલિયમ પહેલો જર્મન સંઘનો સમ્રાટ બન્યો અને બિસ્માર્ક તેમના પ્રથમ ચાન્સેલર બન્યા. તેમણે પોતાની ગૃહનીતિ અને વિદેશનીતિ દ્વારા જર્મનીને યુરોપની મહાસત્તા બનાવી. તેમણે મજબૂત કેન્દ્રીય વ્યવસ્થાની સ્થાપના કરી રેલવે, તાર, ટપાલ, બૅન્કો, ટેલિફોન વગેરે કેન્દ્ર સરકાર હસ્તક રાખ્યાં. તેમનો જર્મન સંસ્કૃતિના રક્ષણ માટે કૅથલિકો સાથેનો સંઘર્ષ ‘સંસ્કૃતિના રક્ષણ માટેનો સંઘર્ષ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. 1872માં તેમણે ઑસ્ટ્રિયા, રશિયા અને જર્મનીના ત્રણ સમ્રાટોને એકત્રિત કરી ત્રણ સમ્રાટોના સંઘની રચના કરી. તેમણે ઇંગ્લૅન્ડ સાથે સંધિ ન કરવા છતાં મિત્રતા જાળવી હતી. તેમની અનેક સિદ્ધિઓ દ્વારા તેઓ તેમના સમયના મહાન રાજનીતિજ્ઞ ગણાયા. તેમની નીતિ સંધિઓ દ્વારા યુરોપમાં સમતુલા જાળવી રાખવાની, ફ્રાન્સને એકલું પાડવાની તથા જર્મનીનું સંરક્ષણ કરવાની હતી. કૈસર વિલિયમ પહેલાના અવસાન બાદ તેના પુત્ર વિલિયમ બીજા સાથે બિસ્માર્કને અનેક મતભેદો થયા. આમ પણ બિસ્માર્કની નીતિઓથી પાદરીઓ અને ઉદારમતવાદીઓ ત્રસ્ત હતા. વૃદ્ધ બિસ્માર્કે 20 માર્ચ, 1890ના રોજ રાજીનામું આપતાં એક ઝળહળતી કારકિર્દીનો અંત આવ્યો. આ પછી બિસ્માર્કને લ્યુમેનબર્ગના ડ્યૂકની અને ફિલ્ડમાર્શલની પદવીઓથી સન્માનવામાં આવ્યા હતા.