કંપની અને કુટુંબ જુદાં છે !


એક જ માનવીએ બે રૂપ ધારણ કરવાનાં હોય છે. કંપનીનો કારોબાર કરતી વખતે એ જેવો હોય છે, તેવો ઘરના કારોબાર સમયે ન હોવો જોઈએ. કંપનીમાં કાર્યસિદ્ધિ એ એનું અંતિમ ધ્યેય હોય છે. ઘરમાં પ્રેમપ્રાપ્તિ એ એનું પરમ લક્ષ્ય હોય છે. કંપનીમાં એ ‘બૉસ’ હોય છે. ઘરમાં એ મોભી હોય છે. કંપની અને ઘર ચલાવવાની પદ્ધતિમાં ભિન્નતા હોય છે. કંપનીના કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ ઘરના મૅનેજમેન્ટમાં અપનાવે, તો ઘરમાં મહાઉલ્કાપાત સર્જાય, કારણ એટલું  જ કે કંપનીની રીતરસમ અને ઘરની જીવનશૈલી સર્વથા ભિન્ન હોય છે. આથી કંપનીના ચૅરમૅન ઘરના ઉંબરામાં પગ મૂકે, તે પહેલાં એણે ચૅરમૅનપદના બોજમાંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. પતિ કે પુત્ર જ્યારે ચૅરમૅન બનીને કંપનીના પ્રવેશદ્વારે પ્રવેશે, ત્યારે એણે પતિના પ્રેમ અને પુત્રના સ્નેહને બહાર મૂકીને પ્રવેશવું જોઈએ. બને છે એવું કે શૅરબજારનો વેપારી ઘરમાં પણ શૅરબજારની રીતરસમથી જીવે છે અને પરિણામે એના સંસારજીવનમાં સ્નેહથી મંદીનો સપાટો જ અવિરત ચાલ્યા કરે છે. કંપની જેમ સૂત્રધાર બૉસની રાહ જુએ છે, એમ ઘર વાત્સલ્યભર્યા પિતા, પ્રેમાળ પતિ કે આજ્ઞાંકિત પુત્રની રાહ જુએ છે. ઘરમાં તમારા હોદ્દાનું મહત્ત્વ નથી, પણ સ્નેહની ગરિમા છે. વ્યક્તિના જીવનની સૌથી મોટી કસોટી એ છે કે એ કેવી કુશળતાથી પોતાની ભૂમિકા ભજવતી રહે છે. એક ભૂમિકા સાથે બીજી ભૂમિકાની ભેળસેળ થઈ જાય તો મોટો વિખવાદ કે વિસંવાદ ઊભો થાય છે, આથી ઑફિસમાં બૉસ તરીકે એ આદેશ આપતી હોય અને આજ્ઞાંકિત પુત્ર તરીકે પિતાની વાત શિરોધાર્ય કરે છે.