જ. 17 જાન્યુઆરી, 1918 અ. 11 ફેબ્રુઆરી, 1993

હિન્દી ફિલ્મજગતના નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક તથા સંવાદલેખક કમાલ અમરોહીનો જન્મ ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેઓ ઉર્દૂ તથા હિન્દી શાયરી-કવિતાના પણ જાણકાર હતા. એમનું મૂળ નામ ‘સૈયદ અમીર હૈદર કમાલ નકવી’ હતું. એમણે શાળાકીય શિક્ષણ લાહોરમાં લીધું હતું. એ માહોલમાં જ લેખનનો શોખ જાગ્યો અને લેખક તરીકે કારકિર્દી શરૂ કરી. ગાયક મિત્ર કે. એલ. સહગલના બોલાવવાથી તેઓ લાહોર છોડીને મુંબઈ સ્થાયી થયા. જ્યાં એમની કલાને કાર્યક્ષેત્ર અને દિશા મળ્યાં. 1938માં ‘જેલર’ તથા ‘છલિયા’ ફિલ્મનાં પટકથા તથા સંવાદનું લેખન કરીને હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ત્યારબાદ ‘પુકાર’, ‘ફૂલ’, ‘શાહજહાં’ જેવી અનેક ફિલ્મોનું લેખન કર્યું. ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ના સંવાદોના લેખન માટે એમને ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1949માં ફિલ્મ ‘મહલ’ના નિર્દેશન સાથે ફિલ્મ દિગ્દર્શનમાં પણ પદાર્પણ કર્યું. ‘પાકીઝા’, ‘સાકી’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ જેવી અનેક ફિલ્મો આપી. 1983માં આવેલી ‘રઝિયા સુલતાન’ એ એમની અંતિમ ફિલ્મ રહી. લેખન-દિગ્દર્શન દ્વારા કમાલ અમરોહીએ સિનેજગતમાં ગુણવત્તાસભર કલાત્મક યોગદાન કર્યું છે. એમનું વ્યક્તિગત જીવન તથા લગ્નજીવન પણ અનેક ઉતારચડાવવાળાં રહ્યાં. મીનાકુમારી એમનાં ત્રીજાં પત્ની હતાં. જે લગ્નજીવન ખૂબ ચર્ચિત રહ્યું. દુઃખ, યાતના, પ્રેમની અનુભૂતિને પોતાની ફિલ્મોમાં કલાત્મક રીતે વાચા આપવા માટે તેઓ જાણીતા હતા. 1958માં એમણે કમાલ અમરોહી સ્ટુડિયોની સ્થાપના કરી, જ્યાં અનેક ફિલ્મોનાં સર્જન થયાં. એમણે આપેલ યોગદાન માટે 2013માં ભારતીય સિનેમાના શતાબ્દી ઉત્સવ દરમિયાન ભારત સરકાર દ્વારા એમના નામની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. કમાલ અમરોહીના પરિવાર દ્વારા ‘કમાલ ઔર મીના’ બાયૉપિક તૈયાર કરવામાં આવી જે કમાલ અમરોહીના જીવન અને કાર્યનો સુંદર માહિતીસભર ચિતાર આપે છે.
અલ્પા શાહ
