‘કયાં કામ ન કરવાં તે નક્કી કરીએ !


અમર્યાદ સ્વપ્નો, અનંત ઇચ્છાઓ અને અપાર કામના વળગેલી છે માનવીને, પરંતુ આ અમર્યાદ, અનંત અને અપારને એણે મર્યાદિત કરવાનાં છે. જીવનધ્યેયમાં પાળ બાંધવાના આ કાર્યને કોઈ આત્મસંયમ કહે છે, તો કોઈ લક્ષ્યસિદ્ધિ કહે છે. એનું કારણ એ કે જેમ વ્યક્તિનું આયુષ્ય મર્યાદિત છે, તેમ એનું કાર્યક્ષેત્ર પણ મર્યાદિત હોવું જોઈએ. અતિ સ્થૂળ શરીર હોય અને ફાસ્ટફૂડ ખાવાનો શોખ હોય, સાંજની નોકરી હોય અને રાત્રે ફિલ્મ જોવાનો શોખ હોય, કંપનીનો મૅનેજર હોય અને મોડા પડવાની આદત હોય, તો કેવી પરિસ્થિતિ સર્જાય ? આનો અર્થ જ એ કે જીવનમાં ‘શું કરવું’ એ નક્કી કરવાની સાથોસાથ ‘શું ન કરવું’ એ પણ નક્કી કરવું પડે છે. મૅનેજર હોઈએ તો સમયસર પહોંચવું જરૂરી બને. એમ વ્યક્તિ જીવનમાં જે ક્ષેત્રમાં કામ કરે, એમાં એણે કેટલાંક કામ ગમે કે ન ગમે, પણ અનિવાર્યપણે કરવાં પડે છે. તમે જે કંઈ મેળવવા માગો છો, તે માટે કેટલીક વસ્તુઓ કરવી અનિવાર્ય બની જાય છે. આ સંયમ એ માટે જરૂરી છે કે તમે એ કર્તવ્યપાલન કરો, તો જ બીજા પાસે કર્તવ્યપાલન કરાવી શકો. માણસ જે કોઈ કાર્યક્ષેત્ર સ્વીકારે, એની સાથે એણે જીવનમાં વિવેક અપનાવવો પડે છે. એણે કઈ વસ્તુ કરવાની છે એ નક્કી કરવું પડે છે અને એની સાથે કોઈ વસ્તુથી દૂર રહેવાનું છે એ નિશ્ચિત કરવું પડે છે. આવા હેય-ઉપાદેયને સમજે, તો જ એ એના જીવનમાં સફળતા મેળવી શકે. નહીં તો વ્યર્થ, બિનઉપયોગી કે આડેમાર્ગે ફંટાઈ જનારાં કામોનો બોજ વધતો જશે અને જે કાર્યક્ષેત્ર સ્વીકાર્યું છે તેનાથી એ વધુ ને વધુ દૂર થતો જશે. જીવનમાં જેમ શુભ અને અશુભ વિશે વિચારીએ છીએ, એ જ રીતે ધ્યેયને લક્ષ્યમાં રાખીને કરણીય અને અકરણીય કામોનો વિચાર કરવો જોઈએ.