કરમસીભાઈ જેઠાભાઈ સોમૈયા


જ. ૧૬ મે, ૧૯૦૨ અ. ૯ મે, ૧૯૯૯

દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ કરમસીભાઈનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના માલુંજામાં થયો હતો. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. કરમસીભાઈના જીવનનો નૈતિક પાયો બાળપણથી જ મજબૂત રીતે બંધાયો હતો. તેમણે કચ્છના તેરા ગામ, મહારાષ્ટ્રના બેલાપુર અને મુંબઈમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધું હતું, પરંતુ મૅટ્રિક સુધી પહોંચી શક્યા ન હતા. જોકે તેમણે પછીથી અંગ્રેજી, મરાઠી અને હિંદી ભાષાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ કચ્છી, મારવાડી, સોરઠી તથા સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. ૧૯૨૭માં ખાંડનો વેપાર કરતી એક પેઢીમાં તેઓ ભાગીદાર તરીકે જોડાયા અને નોંધપાત્ર પ્રગતિ કરી. ૧૯૩૬ના અરસામાં તેમણે મહારાષ્ટ્રના બેલાપુર, કોપરગાંવ અને વૈજાપુર તાલુકામાં શેરડીના ઉત્પાદન માટે જમીનો ખરીદી અને પોતાના ખાંડના કારખાનાની સ્થાપના કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે પોતાની માલિકીની ધ ગોદાવરી શુગર મિલ્સ લિમિટેડના હસ્તક ભારતમાં શેરડીનું ઉત્પાદન યાંત્રિક પદ્ધતિઓ દ્વારા કરવાના શ્રીગણેશ કર્યા. શેરડીની બાગાયતી તથા ખાંડનું ઉત્પાદન – આ બંને ક્ષેત્રોમાં અવનવા પ્રયોગો કરવાનું સાહસ તેમણે દાખવ્યું હતું. મહારાષ્ટ્રમાં જમીનધારણની મહત્તમ મર્યાદાને લગતો કાયદો પસાર થતાં કરમસીભાઈની માલિકીની શેરડીનું ઉત્પાદન કરતી હજારો એકર જમીન તે કાયદા હેઠળ આવરી લેવામાં આવી અને અંતે બધા જ એકમો સમેટી લેવાની નોબત આવી. ૧૯૭૦માં કર્ણાટકના મુધોળ ખાતે કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍપ્લાઇડ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ(K.I.A.A.R.)ની સ્થાપના કરી શેરડીના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી ટૅકનૉલૉજીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની પહેલ કરી. તેમને કર્ણાટક સરકારનો પૂરો ટેકો મળ્યો. શિક્ષણક્ષેત્રમાં પણ રુચિ હોવાથી તેમણે સોમૈયા ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેમના વતન કચ્છ, સાકરવાડી, લક્ષ્મીવાડી વગેરે જગ્યાએ શિક્ષણસંસ્થાઓ શરૂ કરી હતી. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સોમૈયા વિદ્યાવિહાર નામના મહત્ત્વાકાંક્ષી શૈક્ષણિક સંકુલની શરૂઆત કરી હતી. દહાણુમાં નરેશવાડી નામથી શરૂ કરવામાં આવેલ કેન્દ્રમાં આદિવાસીઓ અને ગિરિજનો માટે સેવાપ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૦૦માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ના મરણોત્તર ખિતાબથી સન્માન્યા હતા.