જ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૩૦ અ. ૨૩ ઑગસ્ટ, ૨૦૦૬

જાણીતા મલયાળમ કવિ અને વિવેચકનો જન્મ કેરળના અલાપ્પુઝા નજીક કાવલમ્ ગામમાં ઈ. નારાયણન અને એમ. મીનાક્ષીઅમ્માને ત્યાં થયો હતો. માત્ર બાર વર્ષની ઉંમરે માતા ગુમાવી. માતાના અવસાનની વેદના અને એકાંત એમની કવિતામાં પ્રતિબિંબિત થયું. માત્ર સોળ વર્ષની ઉંમરે તેમની પ્રથમ કવિતા ‘માતૃભૂમિ’ સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલી. તેમણે તિરુવનંતપુરમની યુનિવર્સિટી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. કર્યું અને કેરળ યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. અમેરિકાના બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી રોબર્ટ લૉવેલની કવિતા વિશે ૧૯૭૧માં પીએચ.ડી. કર્યું. ત્યારબાદ તેમણે ૧૯૮૧-૮૨માં યેલ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ ડૉક્ટરેટ કર્યું. તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૫૧માં કોટ્ટાયમની સીએમએસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કરી હતી. ત્યારબાદ તિરુવનંતપુરમ્ યુનિવર્સિટીની કૉલેજમાં અને પછી કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના અધ્યાપક, રીડર, વિભાગીય વડા તરીકે કામ કર્યું. ૧૯૮૦માં કેરળ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફૅકલ્ટીના ડીન બન્યા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમના કાવ્યસંગ્રહનો ‘પૉએટ્રી ઍટ મિડનાઇટ’ નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે. અયપ્પા પાનીકર ઘણાં વર્ષો અમેરિકામાં રહ્યા હોવાથી પશ્ચિમના અદ્યતન સાહિત્યિક પ્રવાહોથી પરિચિત હતા. આ બધા પ્રવાહોથી કેરળના કાવ્યસાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું. તેમની શરૂઆતની કવિતા પર કવિ ટી. એસ. એલિયટનો પ્રબળ પ્રભાવ હતો, પરંતુ પછી નિજી પ્રતિભા ધરાવતી કવિતાઓ આપી. તેમણે ગેય અને છંદોવિહીન કવિતા પણ આપી છે. તેમની કવિતામાં વિષય અને નિરૂપણરીતિનું પ્રચુર વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. તેમના સમગ્ર સાહિત્યને સમાવતા ‘અયપ્પાપાનીકેરુત કૃતિકલ’ના પાંચ ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમને ૨૦૦૫માં સરસ્વતી સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પણ એનાયત થયો છે. તેઓ આધુનિક અને અનુઆધુનિક સાહિત્યિક સિદ્ધાંતો તેમજ પ્રાચીન ભારતીય સૌંદર્યશાસ્ત્ર અને સાહિત્યિક પરંપરાઓમાં વિદ્વાન હતા.
પ્રીતિ શાહ
