જ. ૨૭ જુલાઈ,૧૮૭૬ અ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૪

જાણીતા તમિળ કવિ દેશીગવિનયગમ્ પિલ્લાઈનો જન્મ કન્યાકુમારી જિલ્લાના થેરૂર ગામમાં શિવદનુ પિલ્લાઈ અને આદિલક્ષ્મીને ત્યાં થયો હતો. તેમના પિતાએ તેમનું નામ ‘દેશીગવિનયગમ્’ તેમના પૂજનીય દેવતા ઉપરથી રાખ્યું હતું. નવ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે જ શાળામાં તથા અન્ય સંસ્થાઓ સહિત ૩૬ વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું હતું. બાળકો માટે વ્યવસ્થિત રીતે કવિતા લખનારા પ્રથમ તમિળ કવિ તરીકે કવિમણિને શ્રેય આપવામાં આવે છે. તેમના ૧૯૩૮ના સંગ્રહ ‘મલારુમ્ માલૈયમ્’માં ૨૫થી વધુ બાળગીતો અને સાત કથાત્મક કવિતાઓનો સમાવેશ થાય છે. તેમની સૌથી વધુ લોકપ્રિય કૃતિઓમાંની એક બાળગીત ‘થોટ્ટથિન મેયુધા વેલ્લાઈ પાસુ’ (બગીચામાં ચરતી સફેદ ગાય) છે. તેમની કૃતિઓમાં ભક્તિગીતો, સાહિત્યિક અને ઐતિહાસિક કવિતાઓ, બાળગીતો, પ્રકૃતિ કવિતાઓ, સામાજિક વિષયો અને રાષ્ટ્રવાદી છંદો સહિત વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. પિલ્લઈએ એડવિન આર્નોલ્ડની ‘લાઇટ ઑવ્ એશિયા’નું તમિળ ભાષામાં રૂપાંતર કર્યું હતું. તેમણે ફારસી કવિ ઓમર ખય્યામનાં કાવ્યોનો તમિળમાં અનુવાદ કર્યો હતો. કવિમણિ એક સક્રિય સંશોધક પણ હતા, જેમણે તમિળ સાહિત્ય અને ઐતિહાસિક અભ્યાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે મદ્રાસ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા તમિળ લૅક્સિકન પ્રોજેક્ટ માટે સમીક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે કંબારામાયણમ્ દિવાકરમ્ અને નવનીતા પાટિયાલ જેવાં કાર્યો માટે હસ્તપ્રતોનું પણ સંકલન કર્યું હતું. તેમના પુસ્તક ‘ગંધલૂર સાલાઈ’ને એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક અભ્યાસ માનવામાં આવે છે. ૧૯૪૦માં ચેન્નાઈની પચૈયપ્પા કૉલેજમાં તમિળ વિદ્વાન તમિલવેલ ઉમા મહેશ્વર પિલ્લઈ દ્વારા તેમને ‘કવિમણિ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. ૧૯૫૪માં થેરૂરમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. ૨૦૦૫માં ભારત સરકારે તેમના માનમાં એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડી હતી.
અમલા પરીખ
