અમેરિકાના મિસિસિપિના ટુપેલો ગામના એક નિર્ધન પરિવારમાં એલ્વિસ પ્રૅસ્લે(ઈ. સ. 1935-1977)નો જન્મ થયો હતો. એના અગિયારમા જન્મદિવસે એને તીવ્ર ઇચ્છા હતી કે એની માતા ગ્લાડિસ જન્મદિનની ભેટ રૂપે એને સાઇકલ કે રાઇફલ ભેટ આપે, પરંતુ એની ગરીબ માતા પાસે આમાંથી એકે વસ્તુ ખરીદવાના પૈસા નહોતા. બે રૂમમાં રહેતું આ કુટુંબ પાડોશીઓની મદદ પર અને સરકારી ભોજન-સહાય પર ગુજરાન ચલાવતું હતું. માતાએ સાઇકલને બદલે એલ્વિસ પ્રૅસ્લેને ગિટાર ભેટ આપી. એલ્વિસ પ્રૅસ્લેને અત્યંત દુ:ખ થયું. એમ પણ લાગ્યું કે સાઇકલ હોત તો ફરવાની કેવી મજા પડત. પરંતુ એ પછી એણે મન મનાવીને ગિટારને પોતાની સાથી બનાવી દીધી. રાતદિવસ એ ગિટાર વગાડવા લાગ્યો અને સમય જતાં એનામાં એટલો બધો સંગીતપ્રેમ જાગ્યો કે મહાન ગાયક બનવાનાં સ્વપ્નાં સેવવા લાગ્યો. અગિયારમા વર્ષે ગિટારની ભેટ આપનારી માતા ગ્લાડિશને હવે કઈ ભેટ આપવી ? એણે ખૂબ મહેતનથી એક રેકૉર્ડ તૈયાર કરી અને માતાને જન્મદિવસની ભેટ રૂપે આપી. પોતાના પુત્રની આકરી મહેનત જોઈને એની માતાએ કહ્યું, ‘બેટા, ભલે તું ગરીબ પરિવારમાં જન્મ્યો હોય, પરંતુ એકે બાબતમાં પાછો પડે તેવો નથી. મને દૃઢ વિશ્વાસ છે કે જરૂર આખી દુનિયામાં તારી નામના થશે.’ માતાના શબ્દોએ એનામાં આત્મવિશ્વાસ જગાડ્યો. 19 વર્ષના એલ્વિસ પ્રૅસ્લેને 1954માં નિર્માતા સામ ફિલિપની સન રેકૉર્ડ્ઝ કંપનીમાં એક ગીત ગાવાની તક મળી. વાત એવી હતી કે સન રેકૉર્ડ કંપનીના માલિક સામ ફિલિપ એક એવા શ્વેત વર્ણના સ્ટેજ ગાયકની તલાશમાં હતા કે જેનો અવાજ નિગ્રો જેવો હોય. એલ્વિસ પ્રૅસ્લેએ ગાયું અને એ ગીત સામ ફિલિપને અત્યંત પ્રસંદ પડ્યું. બસ, પછી તો પૂછવું જ શું ? એલ્વિસ પ્રૅસ્લે સામ ફિલિપ સાથે જોડાઈ ગયો અને એની એક પછી એક અત્યંત લોકપ્રિય રેકૉર્ડ બહાર પડવા લાગી. એ વિશ્વપ્રસિદ્ધ ગાયક, ગીતલેખક અને અભિનેતા બન્યો. યુવાનોના હૃદય પર છવાઈ ગયો. સંગીતની દુનિયાનો એ સૌથી ધનવાન ગાયક બન્યો અને એથીય વિશેષ તો એને સહુ ‘કિંગ ઑફ રૉક ઍન્ડ રૉલ’ તરીકે અથવા તો ‘કિંગ’ તરીકે ઓળખવા લાગ્યા અને વીસમી સદીનો એક પ્રભાવશાળી કલ્ચરલ ‘આઇડોલ’ બની રહ્યો.
કુમારપાળ દેસાઈ
