જ. ૧૪ ઑગસ્ટ, ૧૯૨૩ અ. ૨૩ ઑગસ્ટ, ૨૦૧૮

ભારતીય પત્રકાર, સિન્ડિકેટેડ કૉલમલેખક અને લંડનમાં ભારતના હાઇકમિશનર તરીકે રહી ચૂકેલા કુલદીપ નાયરનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોરમાંથી બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કર્યો. ત્યારબાદ ૧૯૫૨માં સ્કોલરશિપ મળતા નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ૧૯૬૭થી ૧૯૭૫ સુધી તેઓ દિલ્હીના ‘ધ સ્ટેટ્સમૅન’ના તંત્રી તથા યુ.એન.આઈ. સમાચારસંસ્થાના મૅનેજર તરીકે કાર્યરત હતા. ૧૯૭૫થી ૧૯૮૧ સુધી ઍક્સપ્રેસ જૂથ અખબારોના તંત્રી હતા. કટોકટીના અંતમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૭૮માં તેમણે એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે રાષ્ટ્રીય અખંડિતતા પરિષદ, પ્રેસ કાઉન્સિલ, બ્રિટનની ‘જેમિની’ના વ્યવસ્થાપક મંડળના સભ્ય તથા ભારતીય સંસ્થા ‘સિટીઝન્સ ફોર ડેમોક્રસી’ના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૦ના માર્ચથી ડિસેમ્બર સુધી લંડન ખાતે ભારતના હાઇકમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. પત્રકાર તરીકે તેમણે અનેક સ્કૂપ લખ્યા છે. ૧૯૮૮-૮૯માં પાકિસ્તાન પાસે અણુબૉમ્બ છે એ સમાચાર સૌપ્રથમ તેમણે આપ્યા હતા. સંશોધનાત્મક પત્રકારત્વમાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ૧૯૮૫થી ‘બિટવીન ધ લાઇન્સ’ નામની કૉલમ લખતા હતા જે ૧૪ ભાષાઓમાં ૭૦થી વધુ અખબારોમાં પ્રગટ થતી હતી. તેઓ મોટે ભાગે વર્તમાન રાજકીય મુદ્દાઓ પર નિર્ભીક રીતે પોતાનાં મંતવ્યો રજૂ કરતા હતા. ‘ઇન્ડિયા : ધ ક્રિટિકલ ઇયર્સ, ‘ડિસ્ટન્ટ નેબર્સ’, ‘સપ્રેશન ઑવ્ જજિઝ’, ‘ઇન્ડિયા આફટર નહેરુ’, ‘ધ જજમેન્ટ’, ‘ઇન રિપોર્ટ ઓન અફઘાનિસ્તાન’, ‘ધ ટ્રૅજેડી ઑવ્ પંજાબ’, ‘ઇન્ડિયા હાઉસ’, ‘ધ માર્ટિર’, ‘વોલ એટ વાઘા’, ‘સ્કૂપ’, ‘વિધાઉટ ફિચર’, ‘ટેલ્સ ઑફ ટુ સીટીઝ’ વગેરે પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઇન્સ ૨૦૧૨માં પ્રકાશિત થઈ હતી. તેમને ૨૦૦૩માં પ્રેસ ફ્રીડમ માટે એસ્ટોર ઍવૉર્ડ અને ૨૦૦૭માં તેમના સમગ્ર કાર્ય માટે શહીદ નિયોગી મેમોરિયલ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. ૨૦૧૫માં રામનાથ ગોએન્કા જીવન પુરસ્કાર અને ભારત સરકાર દ્વારા ૨૦૧૯માં પદ્મભૂષણ(મરણોત્તર)થી તેમને નવાજવામાં આવ્યા હતા.
પ્રીતિ શાહ
