કૃષ્ણા નહેરુ હઠીસિંહ


જ. 2 નવેમ્બર, 1907 અ. 9 નવેમ્બર, 1967

જવાહરલાલ નહેરુ અને વિજયાલક્ષ્મી પંડિતની સૌથી નાની બહેન અને લેખિકા કૃષ્ણાનો જન્મ અલાહાબાદના મીરગંજમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા સ્વરૂપરાણી. તેમનાં લગ્ન અમદાવાદના સુપ્રસિદ્ધ હઠીસિંહ પરિવારના ગુણોત્તમ (રાજા) હઠીસિંહ સાથે થયાં હતાં. કૃષ્ણાએ અને તેમના પતિએ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. કૃષ્ણાને સાત વખત જેલવાસ થયો, જેમાં સૌથી લાંબો જેલવાસ 14 મહિના અને 10 દિવસનો હતો.  1931માં પ્રથમ વખત તેમને જેલની સજા થઈ હતી. ત્યારબાદ બીજી વખત 1932માં 11 માસની જેલની સજા થઈ હતી. 1950માં તેઓ તેમના પતિ સાથે અમેરિકામાં વ્યાખ્યાન માટે ગયાં અને ભારતની આઝાદીની લડાઈ પર તેમના અનુભવો રજૂ કર્યા હતા. તેઓ ‘વૉઇસ ઑવ્ અમેરિકા’ સાથે જોડાયાં અને અનેક પ્રવચનો આપ્યાં. તેઓ પંડિત નહેરુની ટીકા કરતાં હતાં. 1952માં કૉંગ્રેસ પક્ષ વિરુદ્ધ ધરણા પર ઊતર્યાં હતાં. તેઓ 1958માં ઇઝરાયલ ગયાં અને પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન-ગુરિયને મળ્યાં હતાં. તેમણે 1959માં સી. રાજગોપાલાચારીને ફ્રીડમ પાર્ટી માટે ટેકો આપ્યો. તેઓ મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષની સામે સમાજવાદી તરીકે ચૂંટણી લડ્યાં હતાં. તેમણે સાત જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકોમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના જીવનની વાતો લખી છે. ‘વી નહેરુસ’, ‘વિથ નો રિગ્રેટ્સ – એન ઑટોબાયૉગ્રાફી’, ‘ડિયર ટુ બી હોલ્ડ ઃ એન ઇન્ટિમેટ પૉર્ટ્રેટ ઑવ્ ઇન્દિરા ગાંધી’, ‘શેડોઝ ઑન ધ વૉલ’, ‘ધ સ્ટોરી ઑવ્ ગાંધીજી’, ‘નહેરુઝ લેટર્સ ટુ હિઝ સિસ્ટર’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના પતિ પણ લેખક હતા.