કૅપ્ટન વિક્રમ બત્રા


જ. ૯ સપ્ટેમ્બર, ૧૯૭૪ અ. ૭ જુલાઈ, ૧૯૯૯

શેર શાહ’ અને ‘કારગિલના સિંહ’ તરીકે ઓળખાતા કૅપ્ટન વિક્રમ બત્રાનો જન્મ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. પિતા ગિરધારીલાલ પ્રાધ્યાપક અને માતા કમલકાંતા શિક્ષિકા. પિતા પાસેથી દેશભક્તોની વાર્તાઓ સાંભળીને તેમનામાં દેશપ્રેમનાં બીજ રોપાયાં. તેમની શાળા પાલમપુર મિલિટરી કૅન્ટોનમેન્ટમાં આવેલી હતી. આથી લશ્કરના જવાનોની શિસ્તની તેમના પર ગાઢ અસર પડી. શાળેય શિક્ષણ પૂર્ણ કરી ચંડીગઢની દયાનંદ ઍંગ્લો-વૈદિક કૉલેજમાં દાખલ થયા. એન.સી.સી.ના શ્રેષ્ઠ કૅડેટ તરીકે તેમણે પ્રજાસત્તાકદિનની પરેડમાં ભાગ લીધો હતો. લશ્કરમાં જોડાવાની ઇચ્છાથી તેમણે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા આપી. આ દરમિયાન તેમને હૉંગકૉંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી મળી, પરંતુ ભારતીય લશ્કરમાં જોડાવાની ઇચ્છા હોવાથી તેમણે તે નકારી કાઢી. તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેમની ભારતીય સેનાની ૧૩મી જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક થઈ. પહેલી જૂન, ૧૯૯૯ના રોજ તેમને તેમની ટુકડી સાથે કારગિલ યુદ્ધમાં મોકલવામાં આવ્યા. પૉઇન્ટ ૫૧૪૦ શિખર પર કબજો કરી બેઠેલા પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવાનું મિશન તેમને મળ્યું. તેમણે ટુકડીનું નેતૃત્વ કર્યું અને શિખર પર બેઠેલા દુશ્મનો પર હુમલો કર્યો. વહેલી સવારે ૪:૩૦ વાગ્યે તેમણે સાંકેતિક ભાષામાં ‘યે દિલ માંગે મોર !’ કહી જીતની જાહેરાત કરી. આપણા પક્ષે એક પણ જાનહાનિ થયા વિના ૧૩ જેટલા સૈનિકોને ખતમ કરવામાં આવ્યા. તેમના આ પરાક્રમ બદલ તેમને કૅપ્ટનનો હોદ્દો આપવામાં આવ્યો. એ પછી પૉઇન્ટ ૪૮૭૫ શિખર પર કબજો કરી બેઠેલા દુશ્મનોને હાંકી કાઢવાનું કામ તેમની ડેલ્ટા કંપનીને સોંપવામાં આવ્યું. કપરા ચઢાણવાળા પર્વત પર એમની ટુકડી ગઈ. ખડકો પાછળ સંતાયેલા દુશ્મનોએ ગોળીબાર કર્યો. સાથીદાર યશ પાલને બચાવવા દોડ્યા એ જ સમયે દુશ્મનની ગોળી તેમની છાતીમાં વાગી. એ સાથે જ ફેંકાયેલો ગ્રૅનેડ ફાટતાં વિક્રમ બત્રા શહીદ થયા. ભીષણ જંગના અંતે સાત જુલાઈએ પૉઇન્ટ ૪૮૭૫ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાયો, પરંતુ બત્રા તે જોવા માટે જીવિત ન હતા. વિક્રમ બત્રાના વિરલ પરાક્રમ બદલ ભારત સરકારે ૧૫ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મરણોત્તર પરમવીરચક્ર એનાયત કર્યો. ‘LOC : કારગિલ’ અને ‘શેર શાહ’ ફિલ્મોમાં તેમની બહાદુરી દર્શાવવામાં આવી છે.