કે. એ. નીલકંઠ શાસ્ત્રી


જ. ૧૨ ઑગસ્ટ, ૧૮૯૨ અ. ૧૫ જૂન, ૧૯૭૫

દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર કે. એ. નીલકંઠ શાસ્ત્રીનો જન્મ તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતક થયા. તેમણે તિરુનેલવેલીમાં શિક્ષણકાર્ય કર્યું. ૧૯૧૩માં હિંદુ કૉલજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી ૧૯૧૮માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ અન્નામલાઈ યુનિવર્સિટીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ બન્યા. ૧૯૫૨માં મૈસૂર યુનિવર્સિટીમાં ઇન્ડૉલૉજીના પ્રોફેસર તરીકે અને ૧૯૫૪માં મૈસૂર રાજ્યના પુરાતત્ત્વ નિયામક તરીકે કાર્ય કર્યું. તેઓ યુનેસ્કોની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રેડિશનલ કલ્ચર્સ ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયાના નિયામક પણ હતા. અગ્નિ એશિયાના ઇતિહાસના અભ્યાસ માટે તેઓ ડચ અને ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા હતા. તેમણે અર્ધી સદી જેટલા સમય સુધી ઇતિહાસનાં સંશોધન કર્યાં. તેમણે દેશ-વિદેશમાં અનેક પ્રવચનો આપ્યાં, જે ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. તેમણે ૧૯૨૬માં યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં ‘ધ પાંડ્યન્ કિંગ્ડમ’ પર આપેલાં વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થયાં હતાં. તેમણે યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં આપેલાં સર વિલિયમ મેયર વ્યાખ્યાનો ‘હિસ્ટરી ઑવ્ શ્રીવિજય, ‘યુનિવર્સિટી ઑવ્ શિકાગો’માં આપેલાં પ્રવચનો ‘ડેવલપમેન્ટ ઑવ્ રીલિજિયન ઇન સાઉથ ઇન્ડિયા’ અને ‘યુનિવર્સિટી ઑવ્ પટણા’માં આપેલાં પ્રવચનો ‘કલ્ચરલ કૉન્ટેક્ટ્સ બિટવીન આર્યન્સ ઍન્ડ દ્રાવિડિયન્સ’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયાં છે. તેમણે ‘ફર્ધર સોર્સિસ ઑવ્ વિજયનગર હિસ્ટરી’ના ત્રણ ગ્રંથોમાં ઇતિહાસને ઉજાગર કર્યો છે. તેઓ પટણામાં યોજાયેલ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના પ્રમુખ હતા. તેઓ કેન્દ્રીય પુરાતત્ત્વ સલાહકાર બોર્ડના સભ્ય હતા. તેમણે ઇતિહાસમાં કરેલાં સંશોધનો બદલ ભારત સરકારે તેમને ૧૯૫૭માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.