કે. કે. હેબ્બર


જ. ૧૫ જૂન, ૧૯૧૧ અ. ૨૬ માર્ચ, ૧૯૯૬

એક ભારતીય ચિત્રકાર અને કલાશિક્ષક તરીકે જાણીતા કે. કે. હેબ્બરનું પૂરું નામ કટ્ટિંગેરી કૃષ્ણ હેબ્બર છે. તેમનો જન્મ કર્ણાટકના ઉડુપી નજીક કટ્ટિંગેરીમાં એક તુલુભાષી પરિવારમાં થયો હતો. પોતે દોરેલ છબીઓની મદદથી શકુંતલા નાટક શીખવતી વખતે શાળાનું ઇન્સ્પેક્શન કરવા આવેલા અધિકારીએ હેબ્બરની કલાપ્રતિભા જોઈ અને તેમને કલાનું શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૧૯૩૩માં હેબ્બર મુંબઈ આવ્યા અને જી. એસ. દંડવતીમઠ દ્વારા સ્થાપિત આર્ટ સ્કૂલ, નૂતન કલામંદિરમાં અભ્યાસ શરૂ કર્યો હતો. તેમણે છત્રપતિ શિવાજી ટર્મિનસની સામે આવેલ કોપાર્ડે સ્ટુડિયોમાં રિટચિંગ અને એન્લાર્જમેન્ટનું કામ કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૪૫ સુધી સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં કલાશિક્ષક તરીકે કામ કરી તેમણે પોતાની કલાનો વિકાસ ચાલુ રાખ્યો હતો. તેમણે કલા ઇતિહાસકાર આનંદ કુમારસ્વામીનાં લખાણો, જૈન હસ્તપ્રતોની કલા, રાજપૂત અને મુઘલ લઘુચિત્રો અને અજંતાની ગુફાઓમાં ભીંતચિત્રો સહિત વિવિધ સ્રોતોમાંથી પ્રેરણા લીધી હતી. હેબ્બર ૧૯૩૯માં અમૃતા શેરગિલને મળ્યા ત્યારે તેમનાં ચિત્રોમાં ભારતીય કલા અને પશ્ચિમી કલાની ટૅકનિકનો સંગમ જોઈને તેઓ ખૂબ આકર્ષાયા હતા. ૧૯૪૯-૫૦માં તેઓ યુરોપ ગયા જ્યાં તેમણે પૅરિસમાં આવેલી એકૅડેમી જુલિયનમાં જોડાઈને ૨૦ અઠવાડિયાંનો ચિત્રકામનો કોર્સ પણ પૂરો કર્યો હતો. હેબ્બરે પંડિત સુંદરપ્રસાદ પાસેથી બે વર્ષ સુધી કથક નૃત્યની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમણે મુંબઈના રૉયલ ઓપેરા હાઉસમાં એક વાર પ્રદર્શન પણ યોજ્યું હતું. ૧૯૬૧માં લખાયેલા તેમના પુસ્તક ‘ધ સિંગિંગ લાઇન’માં તેમની રેખા-કલાનાં વિવિધ પ્રવાહી સર્જનો જોઈ શકાય છે. તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘હિલ સ્ટેશન’, ‘કાર્લા ગુફાઓ’, ‘ભિક્ષુક’, ‘હંગ્રી સોલ’, ‘ફોક રિધમ’ અને ‘ફુલ મૂન’નો સમાવેશ થાય છે. તેમનું અબ્દુલ કલામ આઝાદનું ચિત્ર સંસદભવન  દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. તેમને મૈસૂર યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ્. અને ભારત સરકાર તરફથી ૧૯૬૧માં પદ્મશ્રી અને ૧૯૮૯માં પદ્મભૂષણ જેવાં સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયાં હતાં.