જ. ૭ જૂન ૧૯૧૪, પાનીપત, હરિયાણા અ. ૧ જૂન ૧૯૮૭, મુંબઈ, મહારાષ્ટ્ર

પત્રકાર અને ચિત્રપટકથાલેખક. પ્રાથમિક શિક્ષણ પાણીપતમાં, ઉચ્ચશિક્ષણ અલીગઢ વિશ્વવિદ્યાલયમાં. વિદ્યાર્થીકાળ દરમિયાન ‘અલીગઢ ઓપિનિયન’ નામનું તે સંસ્થાનું મુખપત્ર શરૂ કરેલું. કારકિર્દીના આરંભમાં કેટલોક સમય ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં કામ કર્યું. ૧૯૩૫માં તેઓ ‘બૉમ્બે ક્રોનિકલ’માં જોડાયા. તેમાં ચિત્રપટના સમીક્ષક તરીકે મોટા નિર્માતાઓની કડક ટીકા કરતાં અચકાતા નહિ. સ્વતંત્ર પત્રકાર તરીકેનું તેમનું સાચું સ્વરૂપ ‘બ્લિટ્ઝ’માં પ્રગટ્યું. એ પત્રની ખ્યાતિ પામેલું કૉલમ ‘લાસ્ટ પેજ’ તેમની બાહોશ કલમનું સાહસ હતું, જે તેમણે જીવનની અંતિમ ઘડી સુધી ચાલુ રાખેલું. ‘બ્લિટ્ઝ’ હિન્દી અને ઉર્દૂમાં પણ પ્રસિદ્ધ થવા માંડ્યું ત્યારે તેમાં પણ ‘આઝાદ કલમ’ના નામથી છેલ્લું પાનું અબ્બાસ લખતા. આ રીતે ભારતમાં પત્રકારત્વની દુનિયામાં નિર્ભય વાતાવરણ ઊભું કરવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો. ડાબેરી વિચારસરણી તેમને કોઠે ઊતરી ચૂકી હતી, તેથી સામાન્ય જનતાના પ્રશ્નો માટે સંઘર્ષ કર્યા વગર રહી શકતા નહિ, પછી તે પત્રકારત્વ, સાહિત્ય કે ચિત્રપટ કોઈ પણ માધ્યમ હોય ! ‘નીચાનગર’ (૧૯૪૬), ‘જાગતે રહો’ (૧૯૫૬), ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯), અને રાજ કપૂરની ‘આવારા’ (૧૯૫૧), ‘શ્રી ૪૨૦’ (૧૯૫૫), ‘મેરા નામ જોકર’ (૧૯૭૦), ‘બોબી’ (૧૯૭૩), ‘હીના’ (૧૯૯૧)ના પટકથા-લેખક તરીકે જાણીતા હતા. ૧૯૬૯માં તેમને પદ્મશ્રી એનાયત થયેલો. ૧૯૪૬માં ‘નીચાનગર’ માટે ગોલ્ડન પામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, ૧૯૫૭માં ‘જાગતે રહો’ માટે ક્રિસ્ટલ ગ્લોબ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. તેમની ફિલ્મોમાં ‘ધરતી કા લાલ’ અને ‘શહેર ઔર સપના’ પ્રસિદ્ધ છે. બીજી ફિલ્મને રાષ્ટ્રીય સહિત અનેક પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. સાહિત્યકાર તરીકે ‘એક લડકી’, ‘ઝાફરાન કે ફૂલ’, ‘ગેહૂં ઔર ગુલાબ’, ‘કહેતે હૈં જિસ કો ઇશ્ક’ અને ‘નઈ ધરતી, નયે ઇન્સાન’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘ઇન્કિલાબ’ નામે એક નવલકથા પણ તેમણે લખી છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા