જ. 5 માર્ચ, 1913 અ. 21 જુલાઈ, 2009

‘ખયાલ’ ગાયકીનાં મહારથી ગંગુબાઈનો જન્મ ધારવાડ, કર્ણાટકમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિકુરાવ નાડિગર અને માતાનું નામ અંબાબાઈ. ગંગુબાઈ શાળાના પ્રાથમિક શિક્ષણ બાદ હિંદુસ્તાની સંગીતના અભ્યાસ અર્થે કુટુંબ સાથે હુબલી સ્થિર થયાં. તેમનાં માતા કર્ણાટકી સંગીતનાં જાણકાર હતાં એટલે સંગીત તેમની રગેરગમાં ધબકતું હતું. 13 વર્ષની ઉંમરે તેઓ કિન્નરી(વીણા જેવું વાદ્ય)વાદક શ્રી કૃષ્ણાચાર્ય હલ્ગર પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. બાળપણની આર્થિક સંકડામણો વચ્ચે પણ તેમણે સંઘર્ષ કરીને માત્ર પોતાના માટે જ નહીં, પણ અન્ય સ્ત્રીઓ માટે પણ શાસ્ત્રીય સંગીતનાં દ્વાર ખોલ્યાં. તેમણે શ્રી દત્તોપંત દેસાઈ અને કિરાના ઘરાનાના મહાન ગાયક પંડિત સવાઈ ગંધર્વ પાસે તાલીમ લીધી હતી. સંગીતની સાધના કરવા તેઓ ટ્રેનમાં લાંબું અંતર કાપીને ગુરુ પાસે પહોંચતાં. તેમનો અવાજ એક સર્જરી પછી ઘેરો બની ગયો હતો અને એ જ અવાજે તેમને અન્ય સ્ત્રીગાયિકાઓથી અલગ તારવ્યાં. સામાજિક ભેદભાવની રેખાઓને અવગણી તેઓ હંમેશાં શુદ્ધ શાસ્ત્રીય સંગીતને વળગી રહ્યાં. તેમણે ભારતભરમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કર્યા. 1945 સુધી ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ ગાયું. શરૂઆતમાં તેઓ ભજન, ઠૂમરી ગાનપ્રકારો ગાતાં, પણ પછીથી તેમણે ખયાલ ગાયન અને રાગદારી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાં સંગીતનાં પ્રોફેસર તરીકે માનદ સેવા આપી. તેમને કર્ણાટક સંગીત નૃત્ય એકૅડેમી ઍવૉર્ડ ઉપરાંત પદ્મભૂષણ (1971), પદ્મવિભૂષણ (2002) અને બીજા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. 2014માં ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડેલી. આજે પણ કર્ણાટક રાજ્યની ગંગુબાઈ હંગલ મ્યુઝિક ઍન્ડ પર્ફૉર્મિંગ આર્ટસ યુનિવર્સિટી ગુરુ-શિષ્ય પરંપરાથી શીખવવા કટિબદ્ધ છે.
બીજલ બુટાલા
