જ. 27 ફેબ્રુઆરી, 1933 અ. 23 ઑગસ્ટ, 2016

કચ્છના પરંપરાગત ભારતકામને વિશ્વસ્તરે નવી ઓળખ આપનાર અને ‘શ્રુજન’ સંસ્થાનાં સ્થાપક ચંદાબહેન શ્રોફનો જન્મ અમદાવાદ જિલ્લાના માંડલમાં થયો હતો. પિતા સકરચંદભાઈ અને માતા શકરીબહેન. તેમણે નવ વર્ષની ઉંમરે માતાને ગુમાવ્યાં. પિતા ગાંધીવાદી હોવાથી ગાંધી વિચાર સરણીવાળા કુટુંબમાં ઉછેર થયો. તેમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ભાવનગરમાં થયું. વડોદરાની વલ્લભ કન્યા વિદ્યાલયમાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરી શાળા છોડી અને ભાઈ સાથે મુંબઈ આવ્યાં. બાળપણથી જ માટીનાં રમકડાં બનાવવાં, ચિત્રકામ, ભરતકામ વગેરેમાં વધુ રસ હતો. તેમણે ટેલરિંગ અને એમ્બ્રૉઇડરીમાં ડિપ્લોમા અને ઇન્ટરમીડિયેટ ડ્રૉઇંગની પરીક્ષા પાસ કરી એલ્ફિન્સ્ટન ટૅક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રાફ્ટ ટીચર ડિપ્લોમા કર્યો. બે વર્ષ મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેમણે માટીનાં પાત્રો પર ચિત્રકામ કરવું, ફિલ્મના સેટનું પેઇન્ટિંગ અને ડિઝાઇનિંગ કરવું, જૂના ફર્નિચરમાંથી નવી ડિઝાઇન બનાવવી તેમજ લગ્નમંડપ સજાવવા જેવાં કળાત્મક અને સર્જનાત્મક કાર્યો કર્યાં. 1957માં ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ સાથે લગ્ન કર્યાં. તેમણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઘરની અગાસીમાં શાકભાજી ઉગાડવાનો સફળ પ્રયોગ કર્યો. કચ્છમાં દુષ્કાળ પડતાં રામકૃષ્ણ મિશન, રાજકોટના સ્વામી આત્મસ્થાનંદે ધાળોટીમાં રસોડું શરૂ કર્યું હતું. તેમણે ચંદાબહેન અને કાંતિસેનભાઈને મદદ માટે બોલાવ્યાં. ગામડાંની બહેનોને મળ્યા પછી કચ્છની ભરતકળાને આવકનું સાધન બનાવવાનું નક્કી કર્યું. તેમણે 1969માં ‘શ્રુજન’ સંસ્થાની સ્થાપના કરી અને મૅનેજિંગ ટ્રસ્ટી બન્યાં. ત્રીસ બહેનોથી શરૂ થયેલ આ સંસ્થા સાથે આજે બાવીસ હજાર જેટલી બહેનો જોડાઈને સ્વનિર્ભર બની છે. માત્ર પાંચ હજાર રૂપિયાના રોકાણથી શરૂ થયેલી સંસ્થા વટવૃક્ષ બની છે. આજે ગામડાંની બહેનો આંત્રપ્રિન્યોર બની છે. 1997માં દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એક્સલ ગ્રૂપ ઑવ ઇન્ડસ્ટ્રીઝ તરફથી દોઢ કરોડની આર્થિક મદદ મળતાં ‘ડિઝાઇન સેન્ટર ઑન વ્હિલ્સ’ શરૂ કરવામાં આવ્યું. કચ્છી ભરતની 16 શૈલીઓના 12,000થી વધુ માસ્ટર પીસ રાખવામાં આવ્યા છે. તેમને 2005માં માનવસેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 2006માં રૉલેક્સ ઍવૉર્ડ અને લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ‘બેસ્ટ વુમન’નો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
અનિલ રાવલ
