ચંદ્રલેખા


જ. 6 ડિસેમ્બર, 1928 અ. 30 ડિસેમ્બર, 2006

ભરતનાટ્યમની પારંપરિક શૈલીને આધુનિક સ્પર્શ આપનાર પ્રભાવશાળી નૃત્યકાર ચંદ્રલેખાનો જન્મ વાડા ગામ(મહારાષ્ટ્ર)માં થયો હતો. પિતા પ્રભુદાસ પટેલ અજ્ઞેયવાદી તબીબી અને માતા ધાર્મિક પ્રકૃતિનાં હતાં. તેમનું બાળપણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીત્યું. ચંદ્રલેખાએ નાની વયથી જ અભ્યાસની સાથોસાથ નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું. શાળાના શિક્ષણ પછી તેમણે કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો, પરંતુ તેને અધવચ્ચે છોડીને નૃત્ય પાછળ જ પોતાનો સમય તથા શક્તિ સમર્પી દીધાં. થોડાં વર્ષોમાં જ ચેન્નાઈમાં શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે તેમનું નામ જાણીતું થઈ ગયું. તેમની માન્યતા હતી કે કલાને આધુનિક યુગ સાથે સીધો સંબંધ હોવો જોઈએ. આધુનિક યુગના પ્રશ્નો, વિષયો, હકીકતોનું પ્રતિબિંબ કલા અને નૃત્યમાં ઝિલાવું જોઈએ.

પારંપરિક ભરતનાટ્યમ્ શૈલીમાં આ શક્ય ન જણાતાં તેમણે પોતાની શક્તિઓ અન્ય ક્ષેત્રોમાં કેન્દ્રિત કરી. તેઓ મહિલા અને માનવઅધિકારોની ચળવળમાં જોડાયાં. થોડું લેખનકાર્ય કર્યું, પોસ્ટર અને પુસ્તકોના જૅકેટની ડિઝાઇનિંગનું કામ પણ કર્યું, પરંતુ તેમની અંદરનો કલાકાર તેમને પુનઃ નૃત્યની દુનિયામાં કૉરિયૉગ્રાફર તરીકે ખેંચી લાવ્યો. તેમણે ભરતનાટ્યમની પારંપરિક શૈલીને નવીન અને આધુનિક ઓપ આપ્યો. તેમણે યોગની કેટલીક મુદ્રાઓ અને આસનોનો પોતાની નૃત્યશૈલીમાં સુંદર રીતે ઉપયોગ કર્યો. તેમની નૃત્યશૈલીમાં માનવદેહને, સુંદરતાના પ્રતીકને બદલે પુરુષ અને સ્ત્રીની શક્તિ, સત્તા તથા સ્વતંત્રતાના પ્રતીક તરીકે  પ્રયોજવામાં આવ્યો છે. તેમની ‘આંગિકા’, ‘લીલાવતી’, ‘શ્રી’ તથા ‘મહાકાલ’ જેવી નૃત્યનાટિકાઓને દેશ-વિદેશમાં ખૂબ પ્રશંસા મળી હતી. પાંત્રીસ વર્ષની લાંબી કારકિર્દીમાં ચંદ્રલેખાએ અનેક સંઘર્ષો, ટીકાઓ, વિરોધો અને મુશ્કેલીઓનો સામનો કર્યો. મજબૂત મનોબળ ધરાવતાં અને સ્વતંત્ર મિજાજનાં આ સ્ત્રીકલાકાર હંમેશાં પોતાના ધ્યેયમાં અડગ રહ્યાં. હૃદયરોગ જેવી ગંભીર માંદગીમાંથી ઊઠીને તેમણે હિંમતપૂર્વક પોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. તેમને મળેલા ઍવૉર્ડમાં સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ : ક્રિએટિવ ડાન્સ (1991), કાલિદાસ સન્માન (2003-2004), સંગીત નાટક અકાદમી ફેલોશિપ (2004) વગેરેનો સમાવેશ  થાય છે.