જ. 20 નવેમ્બર, 1927 અ. 3 જાન્યુઆરી, 2019

સ્વાતંત્ર્યસેનાની, વકીલ, ન્યાયાધીશ અને લેખક ચંદ્રશેખર શંકર ધર્માધિકારીનો જન્મ મધ્યપ્રદેશના રાયપુરમાં. પિતા દાદા ધર્માધિકારી અને માતા દમયંતી. માતાપિતાએ આઝાદીનાં આંદોલનોમાં ભાગ લીધો હતો અને જેલમાં ગયાં હતાં. ચંદ્રશેખર શંકરે પણ ચૌદ વર્ષની ઉંમરે 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ નાગપુરની અને વર્ધાની મ્યુનિસિપલ પ્રાથમિક શાળામાંથી મેળવ્યું. માધ્યમિક શિક્ષણ નવભારત વિદ્યાલય, વર્ધામાં મેળવ્યું. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે 1954થી 1972 સુધી વકીલાત કરી. 1972માં બૉમ્બે હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. 2014માં તેમના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ મહારાષ્ટ્ર સરકારને હોટલ અને રેસ્ટોરન્ટમાં બાર ગર્લ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી જેથી મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ ઘટી શકે. તેમણે મહિલાઓના અધિકારો, આદિવાસી અને જેલના કેદીઓના કલ્યાણ માટે શકવર્તી ચુકાદાઓ આપ્યા હતા. તેઓ ગાંધીમૂલ્યોના સમર્થક હતા. સત્ય અને અહિંસાના આગ્રહી હતા. તેમણે અનેક સંસ્થાઓમાં વિવિધ પદ પર રહીને સમાજસેવા કરી હતી. તેઓ મહારાષ્ટ્ર વહીવટી ટ્રિબ્યૂનલ, રાષ્ટ્રીય મહિલા આયોગ, જમનાલાલ બજાજ ફાઉન્ડેશન, ગ્લોબલ સ્કૂલ્સ ફાઉન્ડેશન, ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન, કુસુમાગ્રજ પ્રતિષ્ઠાન જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં 24 જેટલાં પુસ્તકો લખ્યાં છે; જેમાં ‘શોધ ગાંધીંચા’, ‘ચંદ્રોદય’, ‘અંતરયાત્રા’, ‘સહપ્રવાસ’, ‘લોકતંત્ર પરહેજ ઔર પાબંદિયાં’, ‘રિફલેક્શન્સ ઑન ઇન્ડિયા કૉન્સ્ટિટ્યૂશન–રિલિજિયન ઍન્ડ રુલ ઑફ રુલ’ મુખ્ય છે. તેમના પુસ્તક ‘ભારતીય સંવિધાનચે અધિષ્ઠાન’ને મહારાષ્ટ્ર સરકારનો સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત ગોપાલકૃષ્ણ ગોખલે પુરસ્કાર, ગાંધીજન પુરસ્કાર, ગોસેવા રત્ન પુરસ્કાર, રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2003માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ
