જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૯૩

ગુજરાતના સુપ્રસિદ્ધ ખગોળવિદ છોટુભાઈ સુથારનો જન્મ ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં થયો હતો. શાળાકીય શિક્ષણ નડિયાદમાં લઈ પુણેની કૉલેજમાંથી બી.એસસી.ની ઉપાધિ મેળવી ખેડા જિલ્લાની કેટલીક શાળાઓમાં અધ્યાપન કર્યું. ૧૯૬૮માં નિવૃત્ત થયા. ત્યારબાદ ખગોળવિદ હરિહર ભટ્ટ અને ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્યની રાહબરી હેઠળ ખગોળના ઇતિહાસમાં સંશોધન કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચડી. થયા. જે ‘ભારતીય ખગોળશાસ્ત્ર, મૌલિક કે પરપ્રાપ્ત’ નામે પુસ્તક રૂપે પ્રગટ થયું. આ ઉપરાંત ૧૯૬૭માં વલ્લભવિદ્યાનગરમાંથી ઉત્તમ સંદર્ભગ્રંથશ્રેણી જ્ઞાન-ગંગોત્રી ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક ‘બ્રહ્માંડદર્શન’ પણ તેમણે લખ્યું. ૧૯૬૮માં નિવૃત્ત થયા બાદ અમદાવાદમાં તૈયાર થતી પ્રથમ વેધશાળાના પ્રથમ નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો અને અઢી વર્ષ દરમિયાન ખગોળના પ્રચાર માટે નોંધપાત્ર કામ કર્યું. ૧૯૭૪માં ‘અવકાશની સૃષ્ટિ’ નામે ખગોળનું એક પાઠ્યપુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત પણ તેમણે બીજાં ત્રણ પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. તેમણે ‘વિજ્ઞાનદર્શન’ નામે પણ એક સામયિકનું તંત્રીપદ સંભાળ્યું હતું. વળી ‘કુમાર’ ઉપરાંત અનેક સામયિકોમાં તેમણે વિજ્ઞાનવિષયક લેખો લખ્યા હતા. ૧૯૬૭માં તેમણે ‘આપણાં પક્ષીઓ’ નામક પક્ષીજીવનના બે ગ્રંથો લખ્યા હતા. આમ નાનાંમોટાં થઈ તેમણે લગભગ પચાસેક પુસ્તકો લખ્યાં છે. વિજ્ઞાનક્ષેત્રે તેમની સેવાઓ બદલ રાષ્ટ્રીય ઍવૉર્ડ આપી તેમને સન્માનવામાં આવ્યા હતા.
રાજશ્રી મહાદેવિયા
