જ. ૨૪ સપ્ટેમ્બર, ૧૯૧૪ અ. ૧૨ ડિસેમ્બર, ૧૯૪૭

જમાદાર નંદસિંહ પંજાબના માનસા જિલ્લાના બહાદુરપુરના વતની હતા. તેઓ ૨૪ માર્ચ, ૧૯૩૩ના રોજ શીખ રેજિમેન્ટની ૧ શીખ બટાલિયનમાં ભરતી થયા. માર્ચ ૧૯૪૪માં બર્મામાં જાપાનીઓએ ઇન્ડિયા હિલ નામની જગ્યા પર કબજો કર્યો. આ તીવ્ર ઢોળાવવાળી ટેકરી પર કબજો કરવાનો આદેશ નંદ સિંહ અને એમની પલટનને આપવામાં આવ્યો. દુશ્મનોના ગોળીબારમાં નંદ સિંહ ઘાયલ થયા. જાંઘમાં તેમજ ખભા અને ચહેરા પર ઈજાઓ થઈ છતાં તેમણે ત્રણ ખાઈઓ કબજે કરી. તેઓ છ વખત ઘાયલ થયા તેમ છતાં જીત મેળવી. તેમના પરાક્રમ બદલ તેમને બ્રિટનનું સર્વોચ્ચ સન્માન વિક્ટોરિયા ક્રૉસથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી તેમને ભારતીય સેનામાં જમાદારનો હોદ્દો મળ્યો. ૧૨ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ ઉરી ખાતે દુશ્મનોએ શીખ બટાલિયન પર હુમલો કર્યો. તેમની ડી કંપનીને આદેશ મળતાં જમાદાર નંદ સિંહે દુશ્મનો પર હુમલો કર્યો. હાથોહાથની લડાઈ કરી. પોતે ઘાયલ થયા. તેમ છતાં પાંચ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આખરે દુશ્મનો ભાગી ગયા. વિજય પ્રાપ્ત કરી નંદ સિંહ બંકરની ટોચ પર ઊભા હતા ત્યારે દુશ્મનની ગોળી તેમની છાતીમાં વાગી અને તેઓ શહીદ થયા. તેમના અદભુત પરાક્રમ, કુશળ નેતૃત્વ અને બલિદાન માટે ભારત સરકાર દ્વારા તેમને ‘મહાવીરચક્ર’ મરણોત્તર એનાયત કરવામાં આવ્યો. એક અહેવાલ મુજબ પાકિસ્તાની સૈનિકોએ તેમના ડ્રેસ પર વિક્ટોરિયા ક્રૉસ-રિબનને કારણે તેમને ઓળખ્યા. તેમના મૃતદેહને મુઝફરાબાદ લઈ જઈ ટ્રક પર બાંધીને શહેરમાં ફેરવવામાં આવ્યો. તેમના મૃતદેહને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવ્યો. વિક્ટોરિયા ક્રૉસ અને મહાવીરચક્ર એમ બે સન્માનો પ્રાપ્ત કરનાર નંદ સિંહ એકમાત્ર વીર સૈનિક છે. પંજાબના બરેટમાં બસસ્ટૅન્ડનું નામ શહીદ નંદ સિંહ વિક્ટોરિયા બસસ્ટૅન્ડ રાખવામાં આવ્યું છે.
અનિલ રાવલ
