જયશંકર પ્રસાદ


જ. 30 જાન્યુઆરી 1889 અ. 14 જાન્યુઆરી 1937

આધુનિક હિન્દી સાહિત્યના અગ્રણી સર્જક નવલકથાકાર, વાર્તાકાર અને કવિ. જન્મ વારાણસીમાં થયો હતો. પિતાનું નામ દેવીપ્રસાદ સાહુ. પિતા તમાકુ અને છીંકણીનો વ્યવસાય કરતા હતા. નાનપણમાં જ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી હતી. આઠ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. પછીથી ઘરે રહીને પાલિ, પ્રાકૃત, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓનું અધ્યયન કર્યું. એમણે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, દર્શન સાહિત્ય અને પુરાણકથાઓનો સ્વાધ્યાય પણ કરેલો. પહેલી વાર 9 વર્ષની ઉંમરે ‘કલાધર’ ઉપનામથી વ્રજ ભાષામાં સવૈયા છંદની રચના કરી. નવ વર્ષની ઉંમરે ‘અમરકોશ’ અને ‘લઘુકૌમુદી’ બંને કંઠસ્થ કરી લીધાં હતાં. ‘પ્રસાદ’ તેમનું ઉપનામ હતું. તેઓ છાયાવાદી કવિ તરીકે જાણીતા હતા. સુમિત્રાનંદન પંત, મહાદેવી વર્મા અને સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’ને છાયાવાદી સર્જક તરીકે ગણવામાં આવે છે તેમાં જયશંકર પ્રસાદને એમની સાથે મૂકવામાં આવ્યા છે. હિન્દી સાહિત્યમાં છાયાવાદી વલણને મહત્ત્વ આપનાર લેખક હતા. મહાકવિ તરીકે જયશંકર પ્રસાદ હિન્દી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચિત્રધર’ હિન્દી બોલી અને વ્રજ ભાષામાં લખાયેલો છે. 1909ની આસપાસ ‘ઇન્દુ’ નામની માસિક પત્રિકામાં ખડી બોલી હિંદીમાં રચાયેલી એમની કાવ્યકૃતિઓ પ્રગટ થવા લાગી. બીજા અનેક કાવ્યસંગ્રહો તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. એમની કવિતામાં વિષયનું વૈવિધ્ય પણ જોવા મળે છે. એમની નવલકથાઓ ‘કંકાલ’માં નૈતિક અનિષ્ટ અને સમાજની આધ્યાત્મિકને વિષયવસ્તુ તરીકે નિરૂપી આપ્યાં છે, ‘તિતલી’માં ગાંધીનો પ્રભાવ જોઈ શકાય છે અને ‘ઇરાવતી’ એમની અધૂરી રહેલી ઐતિહાસિક નવલકથા છે. એમણે લખેલાં નાટકોમાં ‘એક ઘૂંટ’, ‘સ્કંદગુપ્ત’, ‘ચંદ્રગુપ્ત’, ‘ધ્રુવસ્વામિની’ અને ‘રાજ્યશ્રી’ છે. નાટકનાં શીર્ષકો જોતાં જ એમ લાગે કે એનું કથાવસ્તુ ઇતિહાસ અને પુરાણમાંથી લીધું હશે. એમના વાર્તાસંગ્રહો ‘આકાશદીપ’, ‘આંધી’, ‘છાયા’, ‘પ્રતિધ્વનિ’ અને ‘ઇન્દ્રજાલ’ વિવિધ વર્ગોનાં વિશિષ્ટ પાત્રોના ભાવસંઘર્ષોનું કાવ્યાત્મક ભાષામાં નિરૂપણ કરતી વાર્તાઓ છે. ‘કાવ્યકલા ઔર અન્ય નિબંધ’ એમનો મરણોત્તર પ્રકાશિત વિવેચનગ્રંથ છે. એમના કાવ્યસંગ્રહ ‘કામાયની’ને મંગલાપ્રસાદ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.