જહાંગીર બાદશાહ


જ. ૩૦ ઑગસ્ટ, ૧૫૬૯ અ. ૨૮ ઑક્ટોબર, ૧૬૨૭

મૂળ નામ સલીમ પણ ઈ. સ. ૧૬૦૫ના ઑક્ટોબરની ૨૪મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્તા ઉપર તેઓ બેઠા. બાબરના વંશમાં ચોથા બાદશાહ અને મુઘલ બાદશાહ અકબરના તેઓ પુત્ર હતા. તેઓ અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી ભાષાઓ શીખ્યા હતા. તેમણે લશ્કરી અને વહીવટી તાલીમ લીધી હતી.  તેમણે તખ્તા પર બેઠા પછી પોતાની રાજનીતિને સ્પષ્ટ કરતાં બાર ફરમાનો બહાર પાડ્યાં હતાં. જહાંગીર કોઈ કુશળ સેનાનાયક નહોતા છતાં તેમણે પિતાના વિશાળ સામ્રાજ્યમાં પોતે પણ વૃદ્ધિ કરી હતી. ૧૬૧૨માં અફઘાનોને પૂર્ણપણે વશ કરી લીધા. બંગાળમાં બર્દવાનના જાગીરદાર શેર અફઘાનને હરાવવા કુત્બુદ્દીન ખાનને મોકલવામાં આવ્યા અને બર્દવાનની લડાઈમાં બંનેના પ્રાણ ગયા. શેર અફઘાનની વિધવા મહેરુન્નિસાને શાહી દરબારમાં મોકલી અપાઈ, જ્યાં જહાંગીર મહેરુના પ્રેમમાં પડ્યા અને ચાર વર્ષ બાદ તેની સાથે લગ્ન કર્યાં, તેનું નામ નૂરજહાં (જગતની રોશની) રખાયું. નૂરજહાંએ જહાંગીર વતી કુશળ વહીવટ ચલાવ્યો, એના નામના સિક્કા પણ પડ્યા. ૧૬૧૪માં મેવાડના રાણા પ્રતાપના પુત્ર અમરિંસહને પરાજિત કરી સુલેહ કરવાની ફરજ પડાઈ. જહાંગીરના સમયમાં અંગ્રેજો સાથેના ગાઢ સંબંધોની શરૂઆત થઈ. જૉન હૉકિન્સ આગ્રામાં બે વર્ષ (૧૬૦૯-૧૬૧૧) રહ્યા. બાદશાહે તેને ખૂબ મદદ કરી. સર ટૉમસ રૉ ઈ. સ. ૧૬૧૫માં હિંદ આવ્યા. તે બાદશાહને અજમેરમાં મળ્યા અને બાદશાહ સાથે માંડૂ અને અમદાવાદની મુલાકાત વખતે સાથે રહ્યા. ત્યારબાદ અંગ્રેજોને હિંદમાં વેપાર કરવાની યોગ્ય સગવડ મળી. જહાંગીર કલાના કદરદાતા હતા. બગીચા કરાવવાના ખૂબ શોખીન, કાશ્મીરના બગીચા એના દાખલા રૂપે છે. કપડાંલત્તાં તથા મિજબાનીના શોખીન હતા. લાહોરમાં બાદશાહે દેહ છોડ્યો, નૂરજહાંએ ત્યાં ભવ્ય મકબરો બંધાવ્યો હતો.