જ. ૧૧ મે, ૧૮૯૫ અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬

આંધ્રપ્રદેશના મદનાપલ્લીમાં જન્મેલા વીસમી સદીના મહાન તત્વચિંતક, પ્રવચનકાર અને લેખક જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં બંધિયાર નહોતું, પરંતુ એમણે હંમેશાં ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપીને વિશ્વપરિપ્રેક્ષ્યમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. અક્ષરજ્ઞાન વિનાનો માણસ અજ્ઞાની નથી, પરંતુ જે પોતાની જાતને ઓળખતો નથી એ અજ્ઞાની છે એમ તેઓ કહેતા હતા.
‘સ્વ’ની સમજ એટલે શિક્ષણ અને એમણે સમજાવ્યું કે, ‘માનવસમસ્યાઓ’નાં મૂળમાં અહમ્ છે અને તેનો ઉકેલ ‘પસંદગી વગરનાં નિરીક્ષણ વડે અહમનું વિસર્જન કરવામાં આવે.’ સિત્તેર જેટલાં પુસ્તકોમાં એમનાં ભાષણો, સંવાદ, પત્ર અને રોજનીશીનો સમાવેશ થાય છે. થિયૉસૉફિકલ સોસાયટીના વડા એની બેસન્ટના સહાયક લેડબિટરને જિદ્દુમાં ઈસુ અને બુદ્ધની કક્ષાના અસાધારણ તત્ત્વનું દર્શન થયું હતું, પરંતુ ૧૯૨૫ની ૧૩મી નવેમ્બરના રોજ એમના ભાઈ નિત્યાનંદનું મૃત્યુ થતાં માનવવિષાદ અને માનવયાતનાની ઉત્કટ અનુભૂતિથી જિદ્દુ કૃષ્ણમૂર્તિના જીવનમાં પરિવર્તન થયું. એમને તરુણાવસ્થામાં વિશ્વભરમાં પથરાયેલી થિયૉસૉફિકલ સંસ્થાઓમાંની એક ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ’નું અધ્યક્ષપદ આપવામાં આવ્યું હતું, તેનું એમણે ૧૯૨૯ની ૩જી ઑગસ્ટે જાતે જ વિસર્જન કરી દીધું. એથીયે વિશેષ સંઘ, સંસ્થા, ગુરુ, મંત્ર, જાપ, વિધિ, વિચારસરણી કે સંપ્રદાય સત્યનાં દુશ્મન હોવાની ઘોષણા કરી અને પોતે જગદગુરુ બનવા માગતા નથી એવી જાહેરાત કરી. વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ મેળવે તે માટે એમણે ઋષિવેલી-આંધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવુડ પાર્ક જેવાં સ્થળે તેમના વિચારોને કાર્યાન્વિત કરતી શાળાઓનું નિર્માણ કર્યું. તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધરાવતા આ આંતરરાષ્ટ્રીય વિચારકે સ્વિટ્ઝર્લૅન્ડમાં રહીને વિશ્વપ્રવાસ કર્યો અને સાદી, સરળ અંગ્રેજી ભાષામાં એમણે આપેલાં પ્રવચન અને પરિચર્યાઓનાં ધ્વનિમુદ્રણ પરથી ગ્રંથોનું સર્જન કર્યું. ગુજરાતી ભાષામાં પણ એમના ગ્રંથો પ્રાપ્ય છે. કૅલિફૉર્નિયામાં તેમનું અવસાન થયું.
કુમારપાળ દેસાઈ