જ. 25 ફેબ્રુઆરી, 1876 અ. 1 ડિસેમ્બર, 1952

સ્વાતંત્ર્યસૈનિક અને કેળવણીકાર જીવણલાલ દીવાનનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા હરિપ્રસાદ અને માતા કૃષ્ણાબહેન. તેમણે 1884માં સ્કૂલની ફાઇનલ અને મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1899માં બી.એ.ની પરીક્ષામાં ગુજરાત કૉલેજમાં પ્રથમ નંબરે પાસ થયા. 1900માં ગુજરાત કૉલેજમાં ફેલો નિમાયા. ડિસેમ્બર, 1900માં ઉમરેઠની જ્યૂબિલી ઇન્સ્ટિટ્યૂટના હેડમાસ્તર બન્યા. 1901માં સૂરતની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. 1902માં એસ.ટી.સી.ની પરીક્ષામાં આખા ડિવિઝનમાં પહેલા ક્રમાંકે ઉત્તીર્ણ થયા. ત્યાંથી અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં બદલી થયા પછી 1906માં એમ.એ. થયા. 1907માં તેમના પરિવારનાં બાળકોને મિડલ સ્કૂલમાં પ્રવેશ ન મળતાં તેમનું સ્વમાન ઘવાયું અને શાળામાંથી રાજીનામું આપ્યું. 1908માં બળવંતરાય ઠાકોર સાથે પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરી અને આચાર્ય થયા. 1920માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડી રાષ્ટ્રીય શાળા બનાવી. તેઓ અમદાવાદ પ્રજાકીય કેળવણી મંડળના સ્થાપક મંત્રી હતા. તેમણે ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી અને શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું. 1920માં બિહાર ભૂકંપ રાહત ફંડના મંત્રી તરીકે કાર્ય કર્યું. દારૂની દુકાનો પર પિકેટિંગ કર્યું. 1930માં ધંધૂકા તાલુકા પરિષદના પ્રમુખ તરીકે ભાષણ કરવા બદલ અંગ્રેજ સરકારે એક વર્ષની કેદ કરી. 1932માં પોલીસમાં હાજરી નહિ આપવા બદલ દોઢ વર્ષની સખત કેદની સજા અને 500 રૂપિયાનો દંડ થયો હતો. તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીની સેનેટમાં જિલ્લા લોકલ બોર્ડના પ્રતિનિધિ તરીકે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તથા અમદાવાદ જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. 1942માં તેઓ પથારીવશ હતા છતાં તેમની ધરપકડ કરવામાં આવી. ફેબ્રુઆરી, 1943માં જેલમાંથી મુક્ત થયા પછી શાળાનું દેવું ચૂકતે કરવા ઘેર ઘેર ફરીને સિત્તેર હજાર રૂપિયા એકઠા કર્યા હતા.
અનિલ રાવલ
