જ. 16 ડિસેમ્બર, 1775 અ. 18 જુલાઈ, 1817

અંગ્રેજી સાહિત્યમાં અમર કીર્તિ પ્રાપ્ત કરેલ લેખિકા જેન ઑસ્ટિનનો જન્મ સ્ટિવેન્ટન હેમ્પશાયરમાં થયો હતો. તદ્દન સામાન્ય કુટુંબમાં જન્મેલાં જેને લેખનકાર્યનો ઘણી નાની વયે પ્રારંભ કર્યો હતો. પિતા પાસેથી મળેલી તાલીમને કારણે ચૌદ વર્ષની વયે ‘લવ ઍન્ડ ફ્રૅન્ડશિપ’ની રચના થઈ. ‘એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ 15 વર્ષની વયે, ‘એ કલેક્શન ઑવ્ લેટર્સ’ 16 વર્ષની વયે આકાર પામી. જેને ઈ. સ. 1797માં લખેલ ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ નવલકથા ઈ. સ. 1813માં પ્રકાશિત થઈ અને આ નવલકથાએ ઇતિહાસ રચ્યો. આ નવલકથા અંગ્રેજી સાહિત્યવિશ્વના સર્વોત્કૃષ્ટ સર્જન તરીકે ઓળખાય છે. તેમની બીજી લોકપ્રિય નવલકથાઓમાં ‘એમ્મા’, ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’, ‘નાર્દેન્જર એબે’, ‘મેન્સફિલ્ડ પાર્ક’ અને ‘પર્સુએશન’નો સમાવેશ થાય છે. જેન ઑસ્ટિનની નવલકથાઓને પ્રગટ થતાંવેંત સારો આવકાર મળતો રહ્યો હતો. તેમની નવલકથાઓમાં રોજિંદા ગૃહજીવનને લગતા વિષયો, વિવિધ સામાજિક સાંસારિક સમસ્યાઓ તથા શાંત પ્રાદેશિક વાતાવરણના મુખ્યત્વે ગ્રામીણ મધ્યમવર્ગીય સમાજના અને સંસ્કારી પરિવારોના ભાવ-પ્રતિભાવ તથા સંવેદનાઓનું સ્પષ્ટ અને ભાવવાહી આલેખન છે. માનવજીવનની સાહજિક લાક્ષણિકતાઓ, વિચિત્રતાઓ તથા વિલક્ષણતાઓ તે પારદર્શક રીતે રજૂ કરે છે. પોતાની નવલકથાઓમાં જેને સામાજિક પરિવર્તનોના પ્રયોગોનો વિરોધ કરીને પારંપરિક મૂલ્યોને જ આગળ કર્યાં હતાં. તેમની નાયિકાઓ દ્વારા સ્ત્રીના ભાવમનનો થતો ખુલાસો અને તેને અંતે નર્મ સુખાન્તનો મળનારો સાથ એ જેનની નવલકથાની સબળ બાજુઓ હતી. પોતાના અનુભવોની તથા સંસારના અભ્યાસની મર્યાદામાં રહીને વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિના તથા હૃદયસ્પર્શી અને વાસ્તવદર્શી સાહિત્યના સર્જક તરીકે અંગ્રેજી નવલકથાક્ષેત્રે તેઓ ઊંચું અને અવિસ્મરણીય સ્થાન પામ્યાં છે. માત્ર 42 વર્ષની વયે જેન ઑસ્ટિને વિશ્વની વિદાય લીધી. તેમની કારકિર્દીને બે સદીઓ વીતી ગઈ હોવા છતાં તેમની પ્રતિભાની તાજગીને કારણે તેમની કલાકૃતિઓને આજે પણ દાદ આપવામાં આવે છે.
અમલા પરીખ
