જ. ૯ ઑક્ટોબર, ૧૯૩૬ અ. ૨૮ માર્ચ, ૨૦૧૦

ગુજરાતના જાણીતા નવલકથાકાર જૉસેફ મૅકવાનનો જન્મ આણંદ જિલ્લાના ત્રણોલી ગામે થયો હતો. પિતાનું નામ ઇગ્નાસ અને માતાનું નામ હીરી. વતન ઓડ. બાળપણ ગરીબીમાં પસાર થયું. મજૂરી કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તરત જ નોકરીએ લાગ્યા. તેમણે બહારના વિદ્યાર્થી તરીકે એમ.એ., બી.એડ્. સુધીનો અભ્યાસ કર્યો. એમ.એ. થયા બાદ થોડા સમય ડાકોરની કૉલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. પણ તેઓ માનતા કે માધ્યમિક શિક્ષણ મજબૂત હોવું જોઈએ. આથી અધ્યાપક તરીકેની નોકરી છોડી, આણંદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. શિક્ષણકાર્યની સાથે તેઓ સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ કરતા. ૧૯૫૬થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પાસેથી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ તથા ચરિત્રસાહિત્ય મળ્યું છે. ‘વ્યથાનાં વીતક’(૧૯૮૫)માં એમણે લખેલાં જીવનચરિત્રો સંગૃહીત થયાં છે. તેમની પાસેથી ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મનખાની મિરાત’, ‘બીજ-ત્રીજનાં તેજ’ જેવી સત્ત્વશીલ નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. ‘આંગળિયાત’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. ૧૯૮૯માં દિલ્હી સાહિત્ય અકાદેમી દ્વારા આ નવલકથા પુરસ્કૃત થઈ હતી. ‘સાધનાની આરાધના’, ‘આગળો’, ‘પન્નાભાભી’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની પાસેથી નિબંધસંગ્રહો તથા સંપાદનો પણ મળ્યાં છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના અનેક પુરસ્કારો મળ્યા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૯૦ની સાલનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત સંસ્કાર ઍવૉર્ડ, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, દર્શક ઍવૉર્ડ વગેરેથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્યના અગ્રણી સાહિત્યકાર અને નવલકથાકાર તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.
શ્રદ્ધા ત્રિવેદી
