ઝવેરીલાલ દલપતરામ મહેતા


જ. ૭ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૨૭ નવેમ્બર, ૨૦૨૩

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનો જન્મ હળવદમાં થયો હતો. મૅટ્રિક સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રામાં લીધા બાદ સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કર્યો. મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું, પરંતુ અમદાવાદની અરિંવદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકે નોકરી મળી અને સત્તર વર્ષ કામ કર્યું. એ સમય દરમિયાન તેઓ ફોટોગ્રાફી કરતા હતા. તેમની લાક્ષણિક તસવીરો જીવન-વિષયને સ્પર્શતી અને ‘જનસત્તા’માં ‘મારે જીવવું છે’ શીર્ષક હેઠળ પ્રકાશિત થતી. ૧૯૭૨થી તેઓ ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયા. તેમને માત્ર તસવીરથી સંતોષ થતો નહીં, તેઓ હંમેશાં તસવીરની નીચે સુંદર શબ્દોમાં તેમને લગતું લખાણ લખતા અને એ રીતે લોકોને તેમની ‘ફોટો સ્ટોરી’ વાંચવામાં અત્યંત રસ પડતો. તેમને કારણે તેમની ‘ફોટો સ્ટોરી’ અખબારના પ્રથમ પાને અથવા છેલ્લા પાને આવવા લાગી. આમ તેમની લોકપ્રિયતા સતત વધતી રહી. તેઓ ક્યારેય ફ્લૅશનો ઉપયોગ નહોતા કરતા. કુદરતી પ્રકાશમાં જ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા પાડતા. ડિજિટલ કૅમેરા આવ્યા છતાં ફિલ્મ કૅમેરાનો જ ઉપયોગ કરતા હતા. તેઓ તસવીરકલા ક્ષેત્રે રઘુ રાય અને કિશોર પારેખને પોતાના ગુરુ માનતા. કિશોરકુમાર જેવી મૂછો, જીન્સ અને માથે હૅટ જેવા વિશિષ્ટ લાક્ષણિક પહેરવેશથી એમના વ્યક્તિત્વની આગવી છાપ ઊપસતી. તેમની ચાર દાયકાની કારકિર્દી  દરમિયાન ગુજરાતના તેર મુખ્યમંત્રીઓનાં જીવન અને કાર્યકાળનું  દસ્તાવેજીકરણ કર્યું. તે  ઉપરાંત ૧૯૮૭માં રાજસ્થાનના દેવરાલામાં સતીની ઘટના, ૧૯૮૮માં કચ્છમાં આવેલ વાવાઝોડું, અયોધ્યાયાત્રા, ૨૦૦૧નો કચ્છમાં આવેલો ધરતીકંપ જેવી ઘટનાઓની અનેક કલાત્મક તસવીરો પ્રકાશિત થઈ હતી. પત્રકારત્વના ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ ૨૦૧૮માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.