ઝાંસી


ઉત્તરપ્રદેશના ૭૪ જિલ્લા પૈકીનો જિલ્લો અને જિલ્લામથક. જિલ્લાનું ક્ષેત્રફળ ૫૦૨૪ ચોકિમી. છે. ૨૦૨૪માં જિલ્લાની કુલ વસ્તી આશરે ૨૩,૧૫,૫૮૧ હતી. વસ્તીનો મોટો ભાગ ગામડાંમાં વસે છે. આ જિલ્લાની ઈશાન તરફ ઉત્તરપ્રદેશનો હમીરપુર જિલ્લો અને ધસાન નદી, પશ્ચિમે રાજસ્થાન, ઉત્તરે જાલોન જિલ્લો, અગ્નિ તરફ મહોબા જિલ્લો અને દક્ષિણે લલિતપુર ને મધ્યપ્રદેશનો વિસ્તાર આવેલો છે. આ જિલ્લો સાંકડી લાંબી પટ્ટી રૂપે વાંકોચૂકો આવેલો છે. બુંદેલ ખંડના ડુંગરાળ પ્રદેશમાં તેનો સમાવેશ થાય છે પણ ગંગાના મેદાન અને વિંધ્યાચળ ગિરિમાળા વચ્ચેના ઉત્તર ભાગમાં ડેક્કન ટ્રૅપની લાવાની બનેલી કાળી જમીન આવેલી છે. આ પ્રદેશ સમુદ્રથી દૂર આવેલો છે તેથી સપાટ પ્રદેશની આબોહવા વિષમ છે, પણ ડુંગરોની ઊંચાઈને કારણે ઉનાળા અને શિયાળાના તથા દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થાય છે. ઝાંસી જિલ્લાનું ગુરુતમ દૈનિક તાપમાન ૩૨.૫° સે. અને લઘુતમ દૈનિક તાપમાન ૧૯.૭° સે. રહે છે. મે મહિનામાં સૌથી વધુ ગરમી હોય છે જ્યારે જાન્યુઆરીમાં સૌથી ઓછી. ૧૫ જૂનથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. સમગ્ર વર્ષ દરમિયાન ૧૨૦૦થી ૧૬૦૦ મિમી. વરસાદ પડે છે. આ પ્રદેશમાં મોસમી પ્રદેશ જેવી વનસ્પતિ છે. સાગ, સાલ, ખેર, ટીમરુ, વાંસ, શીમળો, કડો, આંબલી, સાજડ, હળદરવો, અરડૂસો જેવાં વૃક્ષો અને વાઘ, હરણ, ભુંડ, જરખ, શિયાળ, સાપ, સસલાં વગેરે જંગલી પ્રાણીઓ જોવા મળે છે. કપાસ, બાજરી, ઘઉં, કઠોળ, શેરડી, તલ, મગફળી, સરસવ, રાયડો વગેરે મુખ્ય પાકો છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. આઝાદી બાદ ઉદ્યોગો વિકસ્યા છે અને તે મોટા ભાગે ઝાંસી શહેરમાં આવેલા છે.

ઝાંસીનો કિલ્લો અને શહેર

જિલ્લાનું મુખ્ય શહેર ઝાંસી આગ્રાથી દક્ષિણે ૨૧૦ કિમી. દૂર ૨૫° ૩૦´ ઉ. અ. અને ૭૮° ૩૬´ પૂ. રે. ઉપર આવેલું છે. અહીં વિમાની મથક છે. ઝાંસીમાં ૩૦.૫ સે. ગુરુતમ તાપમાન અને ૨૦.૪ લઘુતમ તાપમાન રહે છે. અહીં વરસાદ ૧૦૦૦થી ૧૨૦૦ મિમી. પડે છે. તે અનાજ, કપાસ, તેલીબિયાં વગેરેનું પીઠું છે. ખેતીનાં સાધનો, પિત્તળનાં વાસણો, ગાલીચા, રેશમી વસ્ત્રો, હાથસાળનું કાપડ, ધાબળા, બીડી, સાબુ, દવા વગેરેનું અહીં ઉત્પાદન થાય છે. આ ઉપરાંત તેલની મિલો તથા રીરોલિંગ મિલ વગેરે કારખાનાં આવેલાં છે. મોરાનીપુરમાં ‘ખારવા’ તરીકે ઓળખાતું કાપડ તૈયાર થાય છે. અહીં રેલવેની વર્કશૉપ તથા કૉલોની, ઝાંસી યુનિવર્સિટી તથા શહેરની પશ્ચિમે ડુંગર ઉપરના કિલ્લામાં લક્ષ્મી, દુર્ગા અને મુરલીમનોહરનાં મંદિરો અને રાણીનો મહેલ આવેલાં છે. શહેરની ફરતો કોટ છે. આ શહેરની બુંદેલા રાજા વીરસિંગે ૧૬૧૩માં સ્થાપના કરી હતી અને શહેરના મુખ્ય ભાગ ફરતો કોટ બંધાવ્યો હતો. શહેરનું બીજું નામ બળવંતનગર છે. ઇતિહાસ : આ પ્રદેશનો બારમી સદીથી ઇતિહાસ મળે છે. ૧૧૮૨માં પૃથ્વીરાજ ચૌહાણે ચંદેલાઓને હરાવીને આ પ્રદેશ કબજે કર્યો હતો. કુતુબુદ્દીન ઐબકે ૧૨૦૨થી ૧૨૦૩ દરમિયાન અને અલ્તમશે ૧૨૩૪માં આ પ્રદેશ ઉપર આક્રમણ કરી હિંદુ મંદિરોનો નાશ કર્યો હતો. ત્યારબાદ ખેંગાર જાતિના લોકોનું રાજ્ય ત્યાં સ્થપાયું હતું. રુદ્રપ્રતાપ બુંદેલાએ તેરમી સદીમાં ખેંગારોને હરાવીને આ પ્રદેશ કબજે કર્યો હતો. તેના અનુગામી પુત્ર ભારતીચંદ્રે ૧૫૨૧માં ઓરછાની સ્થાપના કરી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝાંસી, પૃ. 141)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી