ટર્મિનાલિયા


દ્વિદળી વર્ગના કૉમ્બ્રિટેસી કુળની પર્ણપાતી વૃક્ષોની બનેલી મોટી પ્રજાતિ. તેનું કાષ્ઠમય આરોહી સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. તેની વિશ્વમાં લગભગ ૧૩૫ જેટલી જાતિઓ થાય છે અને એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં ૧૬ જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિની ભારતમાં થતી અગત્યની જાતિઓમાં Terminalia crenulata Reta (સાદડ); T arjuna (Roxb). Wight & Arn. (અર્જુન સાદડ); T. catappa, Linn. (દેશી બદામ); T. bellirica, Roxb, (બહેડાં); T. myriocarpa, Heurck & Muell-Arg. (પાનીસાજ); T. chebula, Retz. (હરડે) bialata stcud (સિલ્વર ગ્રે વૂડ), T. Roxb. ex fcm. (બં.હરિતકી) અને T. paniculata Roth(કિંજલ)નો સમાવેશ થાય છે. તેની કેટલીક જાતિઓ ઇમારતી કાષ્ઠ, ટૅનિન, ઔષધો અને ખાદ્ય બીજ માટે ખૂબ જાણીતી છે. ઘણીખરી જાતિઓના પર્ણતલપ્રદેશે એક યા બે સ્પષ્ટ ટપકાંવાળી ગ્રંથિ જોવા મળે છે. તેમનાં પર્ણો સાદાં મોટાં ચર્મિલ (coriaceous), અંડાકાર (ovate) કે દીર્ઘવૃત્તીય (elliptic) અને એકાંતરિક હોય છે. તે Antheraea mylitta (ટસર) પ્રકારના રેશમ કીટક માટે ઉત્તમ ખોરાક પૂરો પાડે છે.

દેશી બદામ                                  હરડે

સાદડ ઇમારતી લાકડા માટે આ પ્રજાતિની સૌથી અગત્યની જાતિ છે. તેનું રસકાષ્ઠ (sapwood) આછું પીળાશ પડતું સફેદ હોય છે. અંત:કાષ્ઠ (heartwood) આછા બદામીથી ઘેરા બદામી કે બદામી કાળા રંગનું હોય છે, જેમાં વધારે ઘેરા રંગના પટ્ટાઓના બનેલા લિસોટા હોય છે. તે ઘણું મજબૂત અને વજનદાર (વિશિષ્ટ ઘનત્વ ૦.૭૦૭–૦.૯૪ : વજન ૭૩૭–૭૬૧ કિગ્રા./ ઘનમીટર) હોવાથી ઇમારતી ઉપયોગ તથા રેલવે-સ્લીપરો માટે તેની ઘણી માગ રહે છે. અર્જુન સાદડનું રસકાષ્ઠ રતાશ પડતું સફેદ હોય છે અને અંત:કાષ્ઠ બદામીથી ઘેરા બદામી રંગનું હોય છે, જેમાં વધારે ઘેરા-કાળા રંગની રેખાઓ જોવા મળે છે. કાષ્ઠ ચમકીલું, ખૂબ સખત, ટકાઉ અને મધ્યમસરનું વજનદાર (વિશિષ્ટ ઘનત્વ ૦.૭૪; વજન ૮૧૬–૮૬૫ કિગ્રા./ ઘનમીટર) હોય છે. તેનો ઉપયોગ ખેતઓજારો, વીજળીના થાંભલા, બંદર-ધક્કા (getty) વગેરે માટે થાય છે. બહેડાંનું કાષ્ઠ પીળાશ પડતું ભૂખરું હોય છે, જેમાં અંત:કાષ્ઠ જુદું પાડી શકાતું નથી. તેનું વિશિષ્ટ ઘનત્વ ૦.૬૦–૦.૭૭ અને વજન ૫૯૩-૭૬૯ કિગ્રા./ઘનમીટર છે. લાકડું ખાણટેકા, પેટીપટારા, હોડીઓ અને લાકડાનાં પીપ માટે ઉપયોગી છે. તેનું લાકડું સામાન્ય રીતે  એટલું ટકાઉ નથી પરંતુ પાણીની અંદર તે સારું કામ આપે છે. તેનાં ફળમાંથી ટૅનિન તૈયાર થાય છે, જે ચર્મઉદ્યોગ તથા ઇતર ઉપયોગ માટે વપરાય છે. તેનાં બીજમાંથી અખાદ્ય તેલ પણ મળે છે, જે સાબુ માટે વાપરી શકાય છે. દેશી બદામ (બહેડાનું વૃક્ષ) : તેનું રસકાષ્ઠ તરુણ વૃક્ષોમાં ભૂખરું હોય છે. અંત:કાષ્ઠ મોટાં વૃક્ષોમાં જુદું પાડી શકાતું નથી. તે ઈંટ જેવા લાલ કે બદામી લીલા રંગનું હોય છે. તે ચમકીલું, લીસું અને હલકાથી પ્રમાણસર ભારે વજન (વિશિષ્ટ ઘનત્વ ૦.૪૬૩–૦.૬૭૩; વજન ૪૬૫–૬૭૩ કિગ્રા./ઘનમીટર) ધરાવે છે. તેનું કાષ્ઠ મકાન-બાંધકામ, પૈડાના નકશીકામ અને સામાન્ય સુથારીકામમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ પ્લાય-બોર્ડ બનાવવામાં, તરાપો, વળીઓ વગેરેમાં થાય છે. લગભગ બદામ જેવા જ ગુણો ધરાવતાં મીંજ આપનારી આ જાતિનાં પર્ણો ઢોરના ચારા માટે ઉપયોગી હોવા ઉપરાંત ચામડીનાં દરદો માટે અકસીર ગણાય છે. છાલ તેમજ પર્ણોમાંથી મળતો રંગ પણ ઉપયોગી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટર્મિનાલિયા, પૃ. ૨૧૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી