ટાસ્માનિયા


ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિ છેડા પર આવેલું તેનું અંતર્ગત રાજ્ય. તેનું ક્ષેત્રફળ જળવિસ્તાર સહિત ૯૦,૭૫૮ ચોકિમી. છે, જે ઑસ્ટ્રેલિયાનો ૧% કરતાં પણ ઓછો વિસ્તાર રોકે છે. આ રાજ્યનું જૂનું નામ ‘વાન ડાઇમન્સલૅન્ડ’ હતું. તેની વસ્તી ૫,૭૧,૦૦૦ (૨૦૨૨, આશરે) છે. હોબાર્ટ તેનું પાટનગર છે જે રાજ્યનાં ચાર મોટાં નગરો પૈકીનું એક છે. ટાસ્માનિયાનું ભૌગોલિક સ્થાન ઑસ્ટ્રેલિયા ખંડના વિક્ટોરિયા રાજ્યની દક્ષિણ તરફના એક ટાપુ પ્રકારનું છે; જેમાં કિંગ, ફિલન્ડર્સ અને બ્રુની જેવા ટાપુઓનો પણ સમાવેશ થાય છે. ૪૦°થી ૪૩° દક્ષિણ અક્ષાંશવૃત્તો અને ૧૪૪°થી ૧૪૮° પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે તે આવેલું છે. ટાપુ પ્રકારના તેના સ્થાનને કારણે ટાસ્માનિયાની આબોહવા પશ્ચિમ યુરોપની આબોહવા જેવી છે. આ કારણથી અહીં લગભગ બારેમાસ વધતાઓછા પ્રમાણમાં વરસાદ પડે છે. ઑસ્ટ્રેલિયા દેશનું આ ફક્ત એક જ રાજ્ય એવું છે જ્યાં રણવિસ્તાર નથી. બારેમાસ વરસાદ પડતો હોવાથી સિંચાઈની ખાસ જરૂરિયાત ઊભી થતી નથી.

હોબાર્ટ  શહેર

આ રાજ્યમાં લગભગ બારેમાસ હૂંફાળું હવામાન અનુભવાતું જોવા મળે છે. આથી અહીં ઉનાળાની ઋતુમાં ૧૫°થી ૨૦° સે. અને શિયાળામાં ૧૦° સે. જેટલો તાપમાનનો ગાળો રહે છે. પશ્ચિમિયા પવનો અહીં બારેમાસ વરસાદ આપે છે. રાજ્યના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગમાં વધુ વરસાદ પડે છે. પશ્ચિમના પહાડી પ્રદેશ અને ઉચ્ચપ્રદેશના ઢોળાવમાં ૨૫૦૦ મિમી. કરતાં વધુ વરસાદ નોંધાય છે. મધ્ય ભાગમાં ૧૦૦૦ મિમી. વરસાદ પડે છે. મૅક્વેરી નદીની ઉપલી ખીણમાં તો ટાસ્માનિયાનો સૌથી ઓછો, ફક્ત ૪૫૦ મિમી. જેટલો જ વરસાદ થાય છે. રાજ્યનો સૌથી વધુ વરસાદ ૩૬૫૦ મિમી. માર્ગરેટ સરોવર પાસે થાય છે. આ રાજ્યમાં થતો વરસાદ વિવિધ પ્રકારના ખેતીપાક માટે ઉત્તમ પ્રકારનો ગણાય છે. પ્રાકૃતિક રચનાની રીતે જોઈએ તો તેના મધ્યમાં ઊંચો પહાડી વિસ્તાર આવેલો છે તે ૭૦૦ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. દક્ષિણ તરફના ભાગમાં આર્થર પર્વતમાળા છે. મધ્યમાં આવેલા પહાડી પ્રદેશમાંથી નદીઓ ચારે તરફ નીકળીને સમુદ્રને મળે છે. કોર્પ અને સસ્ક નદી ઉત્તરમાં જાય છે, ડરવેન્ટ દક્ષિણ તરફ અને ગૉર્ડન નદી પશ્ચિમમાં વહીને જાય છે. ઉપરાંત મર્સી, મૅક્વેરી, ઍસ્ક, તમાર વગેરે નદીઓ છે. ટાસ્માનિયાના મધ્યભાગમાં ગ્રેટ લેક, સેન્ટ ક્લેર અને ઇકો સરોવરો આવેલાં છે. દરિયાકિનારાના વિસ્તારમાં સાંકડાં મેદાનો તૈયાર થયાં છે જે વિવિધ ખેતીપાક માટે ઉપયોગી છે. ટાસ્માનિયા રાજ્યની ભૂસ્તર રચના, પ્રાકૃતિક રચના, આબોહવા તથા માનવપ્રવૃત્તિઓના આધારે તેને પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. ૧. વાયવ્ય પ્રદેશ : ૧૨૫૦ મિમી.થી વધુ વાર્ષિક સરેરાશ વરસાદવાળા આ ભાગમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. તેમાં લા ટ્રોબ, અલ્વરસ્ટોન, ડેવેનપૉર્ટ અને બર્ની મુખ્ય ઔદ્યોગિક શહેરો છે. તે દરિયાકિનારે આવેલાં છે તથા એકબીજાં જોડે રેલવેથી સંકળાયેલાં છે. ૨. ઈશાન કિનારાનો વિસ્તાર : ઉત્તરમાં ગૉર્ડન નદી, ફ્રેન્કલિન પર્વતમાળા અને છેક દક્ષિણમાં પૂર્વ બાજુએ આર્થર પર્વતમાળાથી બનેલો છે. આ વિસ્તાર ઊંચા પર્વતોવાળો તથા વધુ વરસાદવાળો છે. દરિયાકિનારે મેદાનોનો અભાવ છે. તે ગીચ જંગલોનો વિસ્તાર છે. આર્થિક વિકાસ ખાસ થયો ન હોવાથી વસ્તીનું પ્રમાણ એકદમ ઓછું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટાસ્માનિયા, પૃ. ૨૫૪)