ટી. એચ. વ્હાઇટ


જ. ૨૯ મે, ૧૯૦૬ અ.૧૭ જાન્યુઆરી, ૧૯૬૪

વ્હાઇટનો જન્મ ભારતમાં, મુંબઈમાં ભારતીય પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગેરિક હેનબરી વ્હાઇટ અને કોન્સ્ટન્સ એડીથ સાઉથકોટ એસ્ટનને ત્યાં થયો હતો. તેમનું પૂરું નામ ટેરેન્સ હેનબરી વ્હાઇટ હતું. વ્હાઇટનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં વીત્યું હતું. તેઓ બાળપણથી જ પુસ્તક, શિકાર, પ્રકૃતિ અને પ્રાણીઓમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. તેમણે વ્હાઇટ ગ્લોસ્ટરશાયરની ચેલ્ટનહામ કૉલેજ, એક જાહેર શાળા અને કેમ્બ્રિજની ક્વીન્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યું. ક્વીન્સ કૉલેજમાં હતા ત્યારે વ્હાઇટે થોમસ મેલોરીના લે મોર્ટે ડીઆર્થર પર એક થિસીસ લખી અને ૧૯૨૮માં અંગ્રેજીમાં પ્રથમ વર્ગની ડિગ્રી સાથે સ્નાતક થયા. તેમનાં પ્રારંભિક પુસ્તકોમાં આત્મકથાત્મક નવલકથાઓ અને વાઇલ્ડલાઇફ અંગેના ગ્રંથો સામેલ છે. તેઓ આર્થરિયન નવલકથા માટે વિશેષ જાણીતા છે. તેમનો પ્રસિદ્ધગ્રંથ The Once and Future King (ઈ. સ. ૧૯૩૮-૧૯૫૮), ચાર ભાગોમાં વિભાજિત છે. આ ગ્રંથ મધ્યયુગીન પૌરાણિક પાત્રો – જેમ કે કિંગ આર્થન, મર્લિન, લાન્સલોટ અને ગ્વિનેવીર પર આધારિત છે, પણ તેમાં આધુનિક તત્ત્વો અને માનવસ્વભાવ અંગેની ઊંડી સમજ દર્શાવવામાં આવી છે. જેમાંના એક ભાગ The Swod in the Stone ની Disney એ, ઍનિમેટેડ ફિલ્મ બનાવી. વ્હાઇટની લેખનશૈલી હળવી અને વ્યંગ્યથી ભરેલી હતી. વ્હાઇટ તેમના આર્થરિયન કાર્યને બ્રૉડવે મ્યુઝિકલ કેમલોટ (૧૯૬૦) અને ઍનિમેટેડ ફિલ્મ ‘ધ સ્વોર્ડ ઇન ધ સ્ટોન’  (૧૯૬૩) તરીકે રૂપાંતરિત થતા જોવા માટે જીવ્યા. તેમની કથાઓએ વાર્તા સાહિત્ય, ફૅન્ટસી અને આધુનિક પૌરાણિક પુનર્નિર્માણ ક્ષેત્રે ઊંડું અસરકારક યોગદાન આપ્યું છે.