ટેમ્પરા ચિત્રકળા


એક પ્રકારની ચિત્રશૈલી. આ પદ્ધતિમાં જળદ્રાવ્ય રંગોને ઘટ્ટતાદાયક પદાર્થો સાથે ભેળવવામાં (temper) આવે છે; એ સંદર્ભમાં આ શૈલી ટેમ્પરા તરીકે ઓળખાય છે. આવા ચીટકવાના ગુણધર્મો ધરાવતા પદાર્થો કૃત્રિમ (synthetic) રીતે બનાવવામાં આવે અથવા કુદરતી પદાર્થો તરીકે પ્રાણિજ ગુંદર, અંજીરના ઝાડનો રસ, દૂધ અથવા ઈંડાંની જરદીનો ઉપયોગ થઈ શકે. ટેમ્પરા ચિત્રશૈલીમાં મોટે ભાગે  ઈંડાંની જરદી જ વિશેષ વપરાતી હતી. ટેમ્પરાનું આવું મિશ્રણ કાગળ, કૅન્વાસ, તેલનો હાથ મારેલું લાકડું અથવા સલ્લો (plaster) કરેલી સપાટી પર લગાડી શકાય. ચિત્રકામની આ અત્યંત પ્રાચીન પદ્ધતિ ઇજિપ્ત, ગ્રીસ તથા રોમની પ્રજામાં વ્યાપક પ્રચારમાં હતી. ચીટકવાનો ગુણધર્મ લાવવા માટે ઈંડાંનો સૌપ્રથમ ઉપયોગ બાઇઝન્ટાઇન પ્રજાએ કર્યો. ત્યારથી લગભગ આખી પંદરમી સદી સુધી આ ચિત્રશૈલીનો બહોળો પ્રસાર રહ્યો.

ટેમ્પરા ચિત્રશૈલીમાં દોરાયેલું એક ચિત્ર

ટેમ્પરાની વિશેષતા એ છે કે તે જલદી સુકાઈ શકે છે અને જળદ્રાવ્ય બનતું અટકી જાય છે; આથી રંગનાં ઘણાં અસ્તર લગાડી શકાય છે અને અર્ધપારદર્શક ઉપરાઉપરી પડના પરિણામે આ શૈલીનાં ચિત્રોમાં અનેરી તેજસ્વિતા ઊભરી આવે છે. જોકે આ પ્રકારના ક્રમિક ચિત્રાંકનમાં ચિત્રકારે ખૂબ ધીરજ તથા પૂર્વતૈયારી દાખવવી પડે છે અને તેમાં સ્ફૂર્તિલી સર્જનાત્મકતા તથા આકારોની તરલતાને અવકાશ રહેતો નથી. અલબત્ત, ટેમ્પરામાં રંગછટાનું વૈવિધ્ય તથા વિગતોની ઝીણવટ સહેલાઈથી આલેખી શકાય છે. પ્રારંભિક સમયથી તે છેક આખી પંદરમી સદી દરમિયાન સહિયારી કાર્યશાળા રૂપે ચિત્રો તૈયાર કરવાની જે પ્રથા હતી તેને માટે આ સુયોગ્ય શૈલી હતી. ટેમ્પરાની વ્યાપક લોકપ્રિયતા દક્ષિણ યુરોપમાં છેક ૧૫૦૦ સુધી રહી, પરંતુ ઉત્તર યુરોપના કલાકારોએ પંદરમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા સાથે તૈલી પદાર્થોના મિશ્રણના પ્રયોગો કરવા માંડ્યા. જૅન વૅન આઇક તૈલી રંગોના શોધક ગણાય છે. તેમણે રંગો સાથે તેલ તથા ઈંડાંનું મિશ્રણ કરવાની પહેલ કરી. તેને પગલે સોળમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા ચિત્રશૈલીના સ્થાને તૈલચિત્રોની શૈલીનો વ્યાપક પ્રસાર થયો. છેક વીસમી સદીમાં કેટલાક અનુ-સંસ્કારવાદી (post-impressionist) કલાકારોએ આ શૈલીમાં અનેકવિધ પ્રયોગો કરીને તેમાંની મનોરમ ખૂબીઓનું નવેસર સર્જન કર્યું. એમાં શાન તથા ઍન્ડ્રૂ વાઇથ અગ્રેસર છે. ભારતમાં પ્રાચીન કાળથી ચિત્રાંકનની ચાર પદ્ધતિઓ વિશેષ રૂપે જોઈ શકાય છે : તેમાં ઈંડાંની જરદીનો ઉપયોગ મુઘલકાલીન ચિત્રો સિવાય બહુ ઓછો થયો છે; પણ તેમાં ગુંદર, ખીરું, સરેશનો ઉપયોગ થયેલો છે. એ રીતે આ ચિત્રોને સાદા ‘ટેમ્પરા’ કહી શકાય. તે પરંપરામાં (૧) ભીંત પરનાં રંગચિત્રો, (૨) કપડાનાં ઓળિયાં પરનું રંગચિત્રાંકન, (૩) લાકડાની પાટી પર રંગચિત્રો, પત્ર પર ચિત્રો તથા (૪) કાગળ પરનાં ચિત્રો – તેમનો ઉલ્લેખ કરી શકાય. ભીંત પર રંગચિત્રો આલેખવાની પદ્ધતિ બુદ્ધકાળમાં વ્યાપક હતી; જેમ કે, જોગીમારા, અજંતા. વસ્ત્રપટ પર ચિત્રાંકનનું ચલણ મૌર્યકાલ શુંગકાળમાં હતું, જેમાં ખાદીના વેજાને દૂર્વાના રસનો પાસ આપી તે પછી રાંધેલા ભાતના ઓસામણની ખેળ ચડાવી ઉપર ગાળેલી ખડીનું અસ્તર લગાવી તેના પર ચિત્રાંકન થતું. લાકડાની પાટીને છોલી, ઘસીને તેના પર ભાતના ઓસામણનો લેપ કરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી ધવનો ગુંદર ઉમેરેલા મિશ્રણથી ચિત્રાંકન થયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેમ્પરા ચિત્રકળા, પૃ. ૩૧૭)