વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : ૧૧° ૦૦´ ઉ. અ. અને ૬૧° ૦૦´ પ. રે.. વિસ્તારની દૃષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે ૨ મુખ્ય તથા ૨૧ નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર ૫,૧૩૧ ચોકિમી. તથા તેના દરિયાકિનારાની લંબાઈ ૪૭૦ કિમી. છે. તે વિષુવવૃત્તની ઉત્તરે આશરે ૧૦° પર, ઓરિનોકો મુખત્રિકોણની સામે, અમેરિકાની ઉત્તર કિનારાની નજીક છે. માળખાગત તથા ભૌગોલિક બંને રીતે તેને વેસ્ટ ઇન્ડિયન ટાપુ કરતાં દક્ષિણ અમેરિકાનો ટાપુ ગણાય. ટોબેગો ટાપુનું ટ્રિનિડાડ સાથે ૧૮૯૮માં વિલીનીકરણ થયું. ટોબેગોનો કુલ વિસ્તાર ૩૦૦ ચોકિમી. છે અને તે ટ્રિનિડાડના ઈશાન ખૂણે ૩૧ કિમી. અંતરે આવેલો છે. ટ્રિનિડાડ અને ટોબેગો બંનેની કુલ વસ્તી ૧૫,૦૮,૬૩૫ (૨૦૨૪) તથા વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. ૨૫૪ છે. કુલ વસ્તીના ૬૯% શહેરી વિસ્તારમાં તથા ૩૧% ગ્રામવિસ્તારમાં રહે છે, બંને ટાપુઓના કુલ ભૂભાગનો ૯૫% ભૂભાગ તથા કુલ વસ્તીના આશરે ૯૫% વસ્તી ટ્રિનિડાડની છે. પૉર્ટ ઑવ્ સ્પેન તેનું પાટનગર, મુખ્ય બંદર, મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર તથા મોટામાં મોટું શહેર છે. આ ટાપુઓની મુખ્ય ભાષા અંગ્રેજી છે.

કોકોની ખેતી
પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ આ વૈવિધ્યપૂર્ણ પ્રદેશના ત્રણ મુખ્ય ભૌગોલિક ભાગ પાડી શકાય : (૧) ઉત્તરમાં પર્વતોની શૃંખલા, જે ટાપુઓની કુલ પહોળાઈને આવરી લઈ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. હકીકતમાં આ પર્વતશૃંખલા વેનેઝુએલાની શૃંખલાનો ભાગ છે. આ ભાગમાં વ્યાપારી પવનો મુખ્યત્વે પૂર્વમાંથી ઈશાન તરફ વહે છે. ટાપુના પૂર્વ તરફના પ્રદેશમાં અને ખાસ કરીને પર્વતશૃંખલાના ઈશાનમાં ભારે વરસાદ પડે છે, જે ઘણી વાર વાર્ષિક સરેરાશ ૩,૭૫૦ મિમી.ને વટાવી જાય છે. (૨) ટાપુના ઉત્તર તરફના ભાગમાં ગીચ જંગલો તથા ઊંડી ખીણો આવેલાં છે. અન્ય બે પર્વતશૃંખલાઓમાં મધ્ય તથા દક્ષિણની ઊંડી ખીણો તરફની પર્વત-શૃંખલાઓનો સમાવેશ થાય છે, જે દક્ષિણ તરફ ક્રમશ: ઘટતી જાય છે. ત્રણે પર્વતશૃંખલાઓ : ઉત્તર, મધ્ય તથા દક્ષિણનાં શિખરોની ઊંચાઈ ૧૫૨.૩ મી.થી ૧૫૨૩ મી. વચ્ચે છે. ઉત્તર તરફની પર્વતશૃંખલાનાં ઘણાં શિખરોની ઊંચાઈ ૯૧૪ મી. કરતાં પણ વધારે છે. માઉન્ટ એરિપો શિખર ઊંચામાં ઊંચું (૯૪૦ મીટર) છે. મોટાભાગની કાંપની જમીન પૉર્ટ ઑવ્ સ્પેનની પૂર્વે તથા કોકોસ ઉપસાગરની પશ્ચિમે આવેલી છે. (૩) ટાપુના મધ્ય વિસ્તારની પર્વતશૃંખલાઓ તથા કિનારા સુધીની પર્વતશૃંખલાઓ વચ્ચેનો પ્રદેશ સપાટ અથવા ક્વચિત્ સમુદ્રતરંગ જેવો દેખાય છે અને તેમાંનો ઘણો ભાગ કળણભૂમિથી વ્યાપેલો છે. પશ્ચિમ તરફના બે દ્વીપકલ્પોનો વિશાળ પ્રદેશ પારિયાની ખાડી તરીકે ઓળખાય છે, જેમાં છીછરો દરિયો ભરાય છે. ટ્રિનિડાડના કુલ ભૌગોલિક વિસ્તારના ત્રીજા ભાગ જેટલી જમીન ખેતીક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવી છે. ખાંડ અને કોકો ત્યાંની મુખ્ય પેદાશો છે. પશ્ચિમના દરિયાકાંઠાના સૂકા મેદાની પ્રદેશમાં શેરડીની ખેતી થાય છે, જ્યારે ઉત્તરના પર્વતીય ઉષ્ણ પ્રદેશની ખીણોમાં કોકોની પેદાશ થાય છે. ઉપરાંત, કૉફી, નારિયેળ, કેળાં તથા મોટાં સંતરાં જેવાં, સ્વાદે સહેજ કડછાં હોય તેવાં ગ્રેઇપ-ફ્રૂટની પેદાશ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. ટાપુના નિકાસ વ્યાપારમાં નારિયેળ તથા તેની પેદાશો અગ્રસ્થાને રહે છે. સ્થાનિક ખોરાક માટે નારિયેળનું તેલ તથા ઘરગથ્થુ વપરાશ માટે સાબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક વપરાશ માટે ચોખાની પેદાશમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. લીંબુ, નારંગી, મોસંબી, મોટાં લીંબુ તથા અન્ય ખાટાં ફળો અને તેના રસની નિકાસોને સહકારી સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. શેરડી તથા કોકોની પેદાશ કંપનીઓની માલિકી હેઠળની જમીનો પર થાય છે.
ગિરીશભાઈ પંડ્યા, જયકુમાર ર. શુક્લ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રિનિડાડ અને ટોબેગો,
પૃ. 402)
