ડબલિન


આયર્લૅન્ડ પ્રજાસત્તાકનું પાટનગર, સૌથી મોટું શહેર અને આ જ નામ ધરાવતું પરગણું. ભૌગોલિક સ્થાન : ૫૩° ૨૦´ ઉ. અ. અને ૬° ૧૫´ પ.રે.. દેશના દક્ષિણ કાંઠા પર લેનસ્ટર પ્રાંતમાં આવેલું આ નગર લિફી નદીના બંને કાંઠે વસેલું છે અને ડબલિનના ઉપસાગરથી ત્રણ કિમી. દૂર છે. પ્રાચીન આયરિશ ભાષા ગૅલિકમાં તેનું નામ ‘બ્લા ક્લીઆ’ બોલાય છે. આધુનિક આયરિશ ભાષાના ડભલીન (Dubh Linn – black pool) પરથી તેનું નામ ‘ડબલિન’ પડ્યું છે. શહેરની દક્ષિણ બાજુની સામેના ભાગમાં  ૬૦૦ મી. ઊંચો વિકલો ડુંગર છે. દેશના અંદરના ભાગમાં જવાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. મહાનગરનો કુલ વિસ્તાર ૧૧,૭૫૮ ચોકિમી. તથા નગરની વસ્તી ૫,૯૨,૭૦૦ (૨૦૨૪, આશરે) તથા મહાનગરની વસ્તી ૧૫,૩૪,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. દેશની કુલ વસ્તીના આશરે ૩૦% લોકો આ પરગણામાં રહે છે. શિયાળામાં જાન્યુઆરી માસમાં ડબલિનનું તાપમાન સરેરાશ ૬° સે. હોય છે. શિયાળો ગરમ પ્રવાહની અસરને કારણે પ્રમાણમાં હળવો હોય છે. ઉનાળાનું જુલાઈ માસનું તાપમાન સરેરાશ ૧૫° સે. હોય છે. ઉનાળો એકંદરે શીતળ અને આહલાદક હોય છે. દર વરસે સરેરાશ ૭૫૦ મિમી. વરસાદ પડે છે.

ડબલિન નગર

જંગલો કપાઈ જવાથી કુદરતી વનસ્પતિ ખાસ રહી નથી પણ પર્ણપાતી (ડેસિડ્યુઅસ) પ્રકારનાં ઓક, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. જમીન સમતલ અને ફળદ્રૂપ છે. શહેર ફરતી ટેકરીઓ છે. જવ, ઘઉં, બટાકા, શાકભાજી તથા ફળફળાદિ વગેરે મુખ્ય પેદાશો છે. લોકો ઢોર, ભુંડ, ઘોડા વગેરે ઉછેરે છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ડબલિન  આયર્લૅન્ડનું સૌથી મહત્ત્વનું વાણિજ્ય અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનો, વીજળીનાં ઉપકરણો, પ્રક્રમણ કરેલ એમાં ખાદ્ય પદાર્થો, દારૂ, સિગારેટ, કાચ, વહાણો, કાગળ, સ્ટીમરો તથા કાપડ વગેરેના નાના ઉદ્યોગો વિક્સ્યા છે. એક જમાનામાં તે ગરમ, સુતરાઉ અને રેશમી કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું. આ સિવાય હૅટ અને ખેતીનાં સાધનો બનાવવાં તથા મચ્છીમારી અને પ્રવાસનના ઉદ્યોગો મહત્ત્વના છે. રૉયલ અને ગ્રાન્ડ કૅનાલ દ્વારા લિફી નદી અને શેનોન નદીનું જોડાણ થયું છે. ડબલિનનું બંદર પૂર્વ કિનારાના મધ્યભાગે આવેલું છે. રસ્તાઓ અને રેલવે દ્વારા તે આયર્લૅન્ડનાં અન્ય મહત્ત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે. લિફી નદીના ધક્કા સુધી નાનાં વહાણો આવે છે. બીફ, ખોરાકી ચીજો અને ઢોરની નિકાસ થાય છે જ્યારે કોલસો, પેટ્રોલિયમ તથા તેની પેદાશો, યંત્રો, દવા, ચા વગેરેની આયાત થાય છે. આયરિશ પ્રજાસત્તાક રાજ્યનો ૫૦% જેટલો વિદેશ વેપાર ડબલિનના બંદર હસ્તક છે. ફિનિક્સ પાર્કમાં જેમ્સ જોઇસનું સંગ્રહસ્સ્થાન છે. નૅશનલ લાઇબ્રેરી અને નૅશનલ મ્યુઝિયમનાં મકાનો ઓગણીસમી સદીનાં છે. રાષ્ટ્રીય સંગ્રહસ્થાનમાં આયર્લૅન્ડની પ્રાચીન વસ્તુઓનો ભંડાર છે. તેની જૂની યુનિવર્સિટીની શરૂઆત ટ્રિનિટી કૉલેજ તરીકે ૧૫૯૧માં થઈ હતી, જ્યારે રોમન કૅથલિક યુનિવર્સિટી ૧૮૫૧માં શરૂ થઈ હતી. ૧૯૦૨માં ઍબી થિયેટર સ્થપાયું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ડબલિન, પૃ. ૪૫૬)