ડાંગ


ગુજરાતના બધા જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. આ જિલ્લો ૨૦°-૩૩´ થી ૨૧°-૫´ ઉ. અ. અને ૭૩°-૨૮´ થી ૭૩°-૫૬´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૯ કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૫૦ કિમી. છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૧૭૬૪ ચોકિમી. છે. જિલ્લાની વસ્તી ૨,૮૩,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. જિલ્લામાં જિલ્લામથક આહવા અને વઘઈ બે શહેરો અને ૩૦૯ જેટલાં ગામો આવેલાં છે. ડાંગની ઉત્તરે તાપી જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યનો નાશિક જિલ્લો, પૂર્વ દિશાએ ખાનદેશનો ધૂળે જિલ્લો અને પશ્ચિમે નવસારી જિલ્લા આવેલા છે. આખો જિલ્લો ડુંગરાળ છે. પૂર્વ અને દક્ષિણ ભાગની ટેકરીઓ વધારે ઊંચી છે. પૂર્વ તરફનો સૌથી વધુ ઊંચો ડુંગર ૧૧૦૦ મી. ઊંચો છે. આ ડુંગરો સહ્યાદ્રિ કે પશ્ચિમઘાટના ફાંટા છે. આ પ્રદેશ તથા સમતલ પ્રદેશને બાદ કરતાં સમગ્ર પ્રદેશની ઊંચાઈ ૩૦૦ મી.થી ૭૦૦ મી. છે. આ જિલ્લામાં પૂર્ણા, અંબિકા, ગિરા, ઘોદહાડ અને સર્પગંગા મુખ્ય નદીઓ છે. સાલ્હેર પાસેના પીપલનેરના ડુંગરમાંથી નીકળતી પૂર્ણા ૮૦ કિમી. લાંબી વહે છે. વ્યારા અને નવસારી તાલુકામાં થઈને તે અરબી સમુદ્રને મળે છે. દાવડની ટેકરીમાંથી નીકળી પીપલદહાડ વગેરે ત્રણેક ગામો પાસેથી પસાર થતી ઘોદહાડ લાવચલી પાસે પૂર્ણાને મળે છે.

તહેવારમાં નૃત્ય કરતા આદિવાસી ભાઈઓ-બહેનો

ડાંગની આબોહવા ભેજવાળી તથા રોગિષ્ઠ છે. આ જિલ્લાનું ઉનાળાનું સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૩૬° સે. અને ૨૪° સે. રહે છે. જિલ્લાની જમીન ડેક્કન ટ્રૅપની બનેલી છે. અહીં બેસાલ્ટ તથા કાળમીંઢ ખડકો જોવા મળે છે. ખીણની કાળી જમીન અને ઉચ્ચપ્રદેશની લાલ જમીન છે. જિલ્લાની કુલ ૧,૭૨,૩૫૬ હેક્ટર જમીન છે. આ જિલ્લામાં ૧૭૦૮ ચોકિમી.માં સૂકા અને લીલા ભેજવાળાં પર્ણપાતી જંગલો છે. તેમાં સાગ, સાદડ, કાકડ, સીસમ, કલમ, ખેર, હળદરવો, રોહીડો, કડા, બિયો, મહુડો, ઘામણ, આસન, આસોતરો, ગરમાળો વગેરે વૃક્ષો ને વાંસ છે. ડાંગમાં ઘણી વૈદકીય ઔષધિઓ મળે છે. ડાંગમાં નાગલી, ડાંગર, જુવાર વગેરે અનાજ અને તુવેર, અડદ, ચણા વગેરે કઠોળનું વાવેતર થાય છે. તેલીબિયાં પૈકી ખરસાણી તથા મગફળીનું વાવેતર પણ થાય છે. ડાંગમાં પશુધનમાં ગાય અને બળદ, ભેંસ અને બકરાં મુખ્ય છે. વધુ વરસાદને કારણે ઘાસ હલકા પ્રકારનું અને ઓછું પૌષ્ટિક હોય છે. જમીનનું ધોવાણ આ માટે કારણભૂત છે. આ જિલ્લામાં કાળમીંઢ પથ્થર, ઈંટની માટી, મુરમ અને બેસાલ્ટની કપચી મુખ્ય ખનિજો છે. જિલ્લાનાં બધાં ગામોને વીજળીનો લાભ મળે છે. અહીં સુતરાઉ કાપડ  અને લાકડું વહેરવાની મિલનો તેમાં સમાવેશ થાય છે. આ સિવાય હાર્ડવેર, તૈયાર કપડાં, મોટર-દુરસ્તી, બિસ્કિટ, બ્રેડ વગેરે ખાદ્યપદાર્થો, બાઇસિકલ રિપૅરિંગ, તેલઘાણી, આટામિલ વગેરે ગૃહ અને લઘુઉદ્યોગના સોએક એકમો છે. વઘઈ ખાતે સરકાર-સંચાલિત સાગ વગેરે લાકડાં વહેરવાની મિલો છે. ખરસાણીનું તેલ કાઢવાની ઘાણીઓ આહવામાં છે. માલેગાંવ, વઘઈ અને પીપરી ખાતે ઔદ્યોગિક વસાહતોનો પ્ર્રારંભ થયો છે. બીલીમોરાથી વઘઈ સુધી સાંકડા માપની રેલવે છે. આઝાદી પછી રસ્તાઓનો વિકાસ થયો છે. જિલ્લાની કુલ વસ્તી પૈકી મોટા ભાગના લોકો આદિવાસીઓ છે. ડાંગી લોકોનું આગવું નૃત્ય અને સંગીત છે; જે તેમના જીવ સાથે વણાઈ ગયું છે. સાપુતારાને ગિરિમથક તરીકે વિકસાવવામાં આવ્યું છે. વઘઈ ખાતે રાષ્ટ્રીય અભયારણ્ય ઊભું કરાયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ડાંગ, પૃ. ૫૦૩)