ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 24° 15´ ઉ. અ. અને 72° 11´ પૂ. રે. પર સ્થિત છે. બનાસ નદીના પૂર્વ કાંઠે આ શહેર વસેલું છે. આ શહેર પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેની પૂર્વ દિશાએ દાંતીવાડા અને પાલનપુર તાલુકો, ઉત્તરે અને ઈશાને ધાનેરા તાલુકો, પશ્ચિમે દિયોદર અને થરાદ તાલુકાઓ તેમજ દક્ષિણે જિલ્લાનો કાંકરેજ તાલુકો અને પાટણ જિલ્લાનો વાગદોડ તાલુકાઓથી તે ઘેરાયેલ છે. આ તાલુકામાં ત્રણ શહેરો અને 14 ગામડાંઓ આવેલાં છે. ડીસા તાલુકાનો પૂર્વ ભાગ ફળદ્રૂપ છે. જ્યારે પૂર્વે બનાસ અને સીપુ નદી વહે છે. ગાલીઆ અને રાણપુરા પાસે ઉપરોક્ત બંને નદીઓનો સંગમ થાય છે. પશ્ચિમ ભાગ નદી અને વરસાદની ઓછી માત્રાને કારણે પ્રમાણમાં વેરાન છે. આ તાલુકાની આબોહવા વિષમ છે. ડીસાનું દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 44.8° સે. અને 5.4° સે. રહે છે. જુલાઈ અને ઑગસ્ટ માસ દરમિયાન સરેરાશ વરસાદ 203થી 260 મિમી. અનુભવાય છે. હવામાન ખાતાનું નિરીક્ષણ કેન્દ્ર અહીં આવેલું છે.

બટાટાની ખેતી
અર્થતંત્ર : આ તાલુકામાં વરસાદની અછત વર્તાતી હોવાથી પૂર્વભાગમાં ખેતી થાય છે. અહીંના મુખ્ય ખેતીકીય પાકોમાં ઘઉં, બાજરી, રાગી, કઠોળ જ્યારે રોકડિયા પાકોમાં શેરડી, એરંડા મુખ્ય છે. ડીસા બટાટાની ખેતી માટે પ્રખ્યાત છે. અહીં બટાટાનું ખેતીવિષયક સંશોધન કેન્દ્ર આવેલું છે. સરદાર કૃષિનગર દાંતીવાડા ઍગ્રિકલ્ચરલ સંશોધન કેન્દ્ર આવેલું છે, જ્યાં બટાટાનું ઉત્પાદન વધુ મેળવવા ગહન સંશોધન થઈ રહ્યું છે. ડીસાને ‘Capital of Batata’ની વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત થઈ છે.
તે મહત્ત્વનું વેપારીમથક છે. અહીં તેલની મિલો અને સાબુનાં કારખાનાં આવેલાં છે. આ સિવાય સિમેન્ટની પાઇપ, જાળીવાળી બારી, ટાઇલ્સનાં મધ્યમ કક્ષાનાં કારખાનાં આવેલાં છે. હાડકાં પીસવાનાં કારખાનાં, સો મિલ, ઑઇલ એન્જિન, ટ્રૅક્ટરો મરામત કરવાના, લોખંડ, લોખંડની ખુરશી, કપાટ વગેરેના એકમો કાર્યરત છે. ખેતી સાથે પશુપાલનનો વેપાર કરનારી પ્રજા અહીં ભટકતું જીવન ગાળે છે. આ શહેરમાં ઘેટાંઉછેર ફાર્મ અને ઘેટાં ઊન વિતરણ કેન્દ્ર આવેલાં છે. વસ્તી – જોવાલાયક સ્થળો : આ શહેરની વસ્તી 2025 મુજબ 1,60,000 જ્યારે તાલુકાની વસ્તી 4,58,803 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 895 છે. સાક્ષરતાનું પ્રમાણ 50.2% છે. ઈ. સ. 1853માં સ્થપાયેલી સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ જે સૌથી જૂની છે. આ સિવાય સેંટ ઝેવિયર્સ, DNJ આદર્શ સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, એન્જલ્સ ઇંગ્લિશ સ્કૂલ તેમજ સાયન્સ શાળા પણ છે. અહીં રામજી મંદિર, રેજીમેન્ટ મહાદેવ, ગાયત્રી મંદિર, જલારામ મંદિર, રસાલા મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ, જૈન મંદિર અને મસ્જિદ પણ આવેલાં છે. 1824ના વર્ષમાં બ્રિટિશરો દ્વારા બનાવેલ હવાઈ પીલર કે જેને આધારે હવાનું દબાણ જાણી શકાતું હતું, તેનું 2013માં પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જે ‘હેરિટેજ’ તરીકે જાણીતું બન્યું છે.
નીતિન કોઠારી, શિવપ્રસાદ રાજગોર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/ડીસા/)
