ડુંગરપુર


રાજસ્થાનનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે દક્ષિણ અરવલ્લી પર્વતશ્રેણીમાં આવેલો છે. વગડાનો  પ્રદેશ હોવાથી તે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં ડુંગરપુર ઉપરાંત વાંસવાડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિલાલેખોમાં તેનો ઉલ્લેખ ‘વાગ્વર’ તરીકે કરવામાં આવ્યો છે. ભૌગોલિક સ્થાન : ૨૩° ૫૦´ ઉ. અ. અને ૭૩° ૪૩´ પૂ. રે.. જિલ્લાની પૂર્વમાં રાજ્યનો વાંસવાડા જિલ્લો, ઉત્તરમાં ઉદેપુર જિલ્લો તથા દક્ષિણ અને પશ્ચિમમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા આવેલા છે. તે સમુદ્ર સપાટીથી ૩૦૦થી ૪૦૦ મી. ઊંચાઈ ધરાવે છે. તેનો મોટા ભાગનો પ્રદેશ ડુંગરાળ છે, જોકે ડુંગરાઓ વચ્ચે સપાટ મેદાનો પણ આવેલાં છે. ભૂસ્તરવિજ્ઞાનની દૃષ્ટિએ આ વિસ્તાર પ્રીકેમ્બ્રિયન યુગનો ખડક પ્રદેશ છે. તેમાં આર્કિયન ગ્રૅનાઇટ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત સિલિકા, ક્વાર્ટઝાઇટ, સ્લેટ તથા ચૂનાના પથ્થરો પણ પ્રાપ્ત થાય છે. ડુંગરાઓની સરેરાશ ઊંચાઈ ૪૯૦ મી. જેટલી છે. જિલ્લાનો કુલ વિસ્તાર ૩,૭૭૦ ચોકિમી. તથા કુલ વસ્તી ૧૩,૮૮,૫૫૨ (૨૦૨૫) છે, જેમાં લગભગ ૭૦% લોકો અનુસૂચિત જનજાતિના છે. વસ્તીનો ગીચતાદર ચોકિમી. દીઠ ૨૩૨ છે. તે પ્રદેશમાં બે મુખ્ય નદીઓ છે : મહીસાગર (મહી) તથા સોમ. મહીસાગર નદી ડુંગરપુર અને વાંસવાડા જિલ્લાઓની સરહદ બનાવે છે. તેનો પટ ૧૦૦થી ૧૩૦ મી. પહોળો છે : ગાલિયાકોટથી આગળ તે ગુજરાતમાં પ્રવેશે છે. સોમ નદી મેવાડથી ડુંગરપુર જિલ્લામાં ઉત્તર-પૂર્વ તરફથી પ્રવેશે છે તથા આગળ જતાં તે મહીસાગર નદીને મળે છે. ઉપરાંત, જાખમ અને મોરન અન્ય નદીઓ છે. ઉનાળામાં જિલ્લાનું તાપમાન સરેરાશ ૪૪° સે. હોય છે. તે ૪૫° સે. સુધી જાય છે. શિયાળામાં તાપમાન ૨૦૦ સે. સુધી નીચે આવે છે. જિલ્લાનો સરેરાશ વાર્ષિક વરસાદ ૭૫૦ મિમી. થી ૧૦૦૦ મિમી. હોય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦%થી ૭૯% રહે છે.

દેવસોમનાથનું મંદિર

એક જમાનામાં આ વિસ્તાર વનપ્રદેશ હતો; પરંતુ હવે મોટા ભાગનાં જંગલો નષ્ટ થઈ ગયાં છે. જે થોડાંક જંગલો બાકી છે તેમાં સાગ, મહુડા, માલબેરી, ખજૂર, ગુલર, સાલર, તેંદુ, બેહેડો અને ટીમરુનાં વૃક્ષો છે. ઉપરાંત, જંગલોમાંથી કાથો, ગુંદર અને મધ પ્રાપ્ત થાય છે. બીડી બનાવવાનાં પાન પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જિલ્લાની કુલ જમીનમાંથી ૧,૨૪,૧૮૭ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. શિયાળુ પાકમાં ઘઉં, જવ, ચણા, ધાણા, જીરું અને કપાસ પેદા થાય છે; જ્યારે ઉનાળુ પાકમાં મકાઈ, ડાંગર, મગફળી, શેરડી અને તેલીબિયાંના પાક લેવાય છે. કૂવાઓ તથા તળાવમાંથી સિંચાઈનું પાણી મેળવવામાં આવે છે. મહીસાગર પર બંધાયેલ બંધમાંથી ડુંગરપુર સુધી પાણી પહોંચાડવા માટે સાઇફન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. હિંમતનગરથી ઉદેપુર સુધીની રેલલાઇન આ જિલ્લાના પશ્ચિમ છેડેથી રતનપુરમાં પ્રવેશ કરી ડુંગરપુરમાંથી પસાર થાય છે. ડુંગરપુરથી ૨૪ કિમી. અંતરે બારમી સદીનું દેવસોમનાથનું મંદિર સંપૂર્ણ આરસપહાણનું બનેલું છે. તેનું ગર્ભગૃહ આઠ વિશાળ થાંભલા પર બાંધેલું છે.

શંકરલાલ ત્રિવેદી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮, ડુંગરપુર, પૃ. ૫૪૮, અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડુંગરપુર/)