ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું મૈત્રકકાલીન ગામ. તે ૨૧° ૫´ ઉ. અ. અને ૭૧° ૩૫´ પૂ. રે. ઉપર ભાવનગર જિલ્લામાં મહુવાથી વાયવ્ય ખૂણે ૧૩ કિમી. અને અમૃતવેલ રેલવેસ્ટેશનથી ૨ કિમી. દૂર આવેલું છે. ઇતિહાસ : આ ગામ ઘણું પ્રાચીન છે અને તેની સાથે ધ્રુવસેન ૧ની (ઈ. સ. ૫૨૫ – ૫૪૯) ભાણેજ પરમ ઉપાસિકા દુદ્દાનું નામ સંકળાયેલું છે. તેણે દુદ્દાવિહાર કે મહાવિહાર તરીકે ઓળખાતો વિહાર બંધાવ્યો હતો. આ વિહારને નિભાવવા માટે ધ્રુવસેને જમીનનું દાન કર્યું હતું. તે જ પ્રમાણે ધ્રુવસેન ૧ના અનુજ ધરપટ્ટના પુત્ર ગુહસેને (ઈ. સ. ૫૫૯ – ૫૬૭) અને ધરસેન બીજાએ (૫૭૧ – ૫૮૯) પણ આ વિહાર માટે ભૂમિદાન કર્યું હતું. શીલાદિત્ય બીજાના તામ્રપત્રમાં ડુન્ડાસ નામનો ઉલ્લેખ છે.

ડુન્ડાસ અને લુંસડીમાંનાં ખંડેરોમાંથી ક્ષત્રપ અને મૈત્રકકાલીન મોટી ઈંટો અને સિક્કાઓ મળેલ છે. ડુન્ડાસ નજીક પ્રાચીન ક્વા વાછરા (વત્સરાજ) સોલંકીનું થાનક છે. વત્સરાજ સોલંકી કતપર (કંકાવટી) પરણવા આવ્યા હતા. લગ્નવિધિ ચાલુ હતી અને બે મંગળફેરા બાકી હતા ત્યારે દુશ્મનો ગાયનું ધણ વાળી જાય છે એવી બૂમ સાંભળી. જરા પણ વિચાર કર્યા વિના તે વહારે ચડ્યા અને ધીંગાણામાં તેમનું મૃત્યુ થયું. લોકોક્તિ પ્રમાણે વત્સરાજનું મસ્તક ડુન્ડાસ આવીને પડ્યું. અહીં તેનું મસ્તક પૂજાય છે, જ્યારે મહુવા ખાતે ધડની પૂજા થાય છે.
શિવપ્રસાદ રાજગોર
ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ-8, અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડુન્ડાસ/
