જ. 24 ડિસેમ્બર, 1880 અ. 17 ડિસેમ્બર, 1959

સ્વાતંત્ર્યસેનાની ડૉ. પટ્ટાભી ભોગરાજુ સીતારામૈયાનો જન્મ ગંડુગોલાણુમાં થયો હતો. પિતા સુબ્રહ્મણ્યમ્ અને માતા ગંગામ્મા. બાળપણમાં પિતાને ગુમાવ્યા. તેમણે ઇલોરની ક્રિશ્ચિયન મિશન સ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1901માં એમ.બી. ઍન્ડ સી.એમ.ની પદવી મેળવી. મસુલિપટનમમાં દવાખાનું શરૂ કર્યું. 1907માં તેમણે આગેવાનો સાથે મળીને નૅશનલ કૉલેજ માટે ફાળો એકઠો કર્યો અને 1910માં આંધ્રજાતીય કલાસલની સ્થાપના કરી. શરૂઆતમાં તેઓ લાલ-બાલ-પાલ પ્રત્યે આકર્ષાયા. હોમરૂલલીગના સભ્ય થયા. તેમણે ‘જન્મભૂમિ’ નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું. તેમણે ‘આંધ્ર સહકાર પત્રિકા’ શરૂ કરી. તેમણે આંધ્ર બૅન્ક, ભારતલક્ષ્મી બૅન્ક, આંધ્ર ઇન્સ્યૉરન્સ કંપની, હિંદુસ્તાન ઇન્સ્યૉરન્સ કંપની વગેરેની સ્થાપના કરી. તેઓ 1916માં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય થયા. તેઓ કૉંગ્રેસની કાર્યવાહક સમિતિના સભ્ય ચૂંટાયા હતા. સાયમન કમિશનનો વિરોધ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે તેમણે મસુલિપટનમના દરિયાકાંઠે મીઠાના કાયદાનો ભંગ કર્યો. તેમણે ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. 1938માં કૉંગ્રેસના પ્રમુખપદ માટે ગાંધીજીએ તેમનું નામ સૂચવ્યું હતું, પરંતુ ચૂંટણીમાં સુભાષચંદ્ર બોઝનો વિજય થતાં તેઓ હારી ગયા હતા. તેમણે આઝાદીનાં આંદોલનોમાં ભાગ લઈ ઘણી વખત ધરપકડ વહોરી હતી. તેઓ 1946માં ચેન્નાઈમાંથી બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1948માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના જયપુર અધિવેશનના પ્રમુખ હતા. જુલાઈ, 1952થી જૂન, 1957 સુધી મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સેવા આપી હતી. ‘ઇન્ડિયન નૅશનાલિઝમ’, ‘હિસ્ટરી ઑફ ધ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’ વૉલ્યુમ 1 અને 2, ‘નૉન-કો-ઑપરેશન’, ‘ગાંધી ઍન્ડ ગાંધીઝમ્’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. ભારત સરકારના ટપાલખાતાએ 1997માં તેમની સ્મૃતિમાં બે રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.
અનિલ રાવલ
