ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડી


જ. ૩૦ જુલાઈ, ૧૮૮૬ અ. ૨૨ જુલાઈ, ૧૯૬૮

એક સુવિખ્યાત ડૉક્ટર, સમાજસેવિકા તથા ભારતની મદ્રાસ વિધાનસભામાં પ્રથમ મહિલાઉપાધ્યક્ષ હોવાનું ગૌરવ ધરાવતાં ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડીનો જન્મ તમિળનાડુના પુદુકોટ્ટાઈ રજવાડામાં થયો હતો. પિતા એસ. નારાયણસ્વામી મહારાજ કૉલેજના પ્રિન્સિપાલ હતા. માતાનું નામ ચંદ્રામાલા હતું. તે જમાનામાં છોકરીઓને શાળામાં ભણવા માટે મોકલતા નહિ, પણ પિતા નારાયણસ્વામીએ આ માન્યતાનો ભંગ કરીને મુત્તુલક્ષ્મીને શાળામાં દાખલ કરી. ૧૯૦૩માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર છોકરી હતી. પુદુકોટ્ટાઈના મહારાજની દરમિયાનગીરીને કારણે તેમને વિરોધની વચ્ચે કૉલેજમાં પ્રવેશ મળ્યો. રાજાએ સ્કૉલરશિપ પણ આપી. આમ મહારાજા કૉલેજમાં પ્રવેશ મેળવનારાં તેઓ સર્વપ્રથમ મહિલા બન્યાં. પ્રથમ વર્ગમાં કૉલેજ પાસ કરીને તેમણે મદ્રાસ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સર્જરીમાં ૧૦૦ માર્ક્સ મેળવી ડૉક્ટર બન્યાં. મહિલા અને બાળકોની સરકારી હૉસ્પિટલમાં હાઉસ સર્જન તરીકે નિમણૂક પામ્યાં. તેઓ ગાંધીજી અને ડૉ. એની બેસન્ટથી ખૂબ પ્રભાવિત હતાં. સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં પછી તેઓ સમાજસેવાના કાર્યમાં જોડાઈ ગયાં. ગરીબ સ્ત્રીઓ અને બાળકો માટે તેમણે સેવા કરી હતી. ૧૯૩૦માં તેમના દ્વારા સ્થાપના કરાયેલ ‘અવ્વાઈહોમ’માં આજે પણ તરછોડાયેલી સ્ત્રીઓ અને બાળકોને શરણ પૂરું પાડવામાં આવે છે. કન્યાકેળવણી તથા બાળકેળવણીક્ષેત્રે તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. ૧૯૨૭માં તેમણે બાળકો માટે ભારતની પહેલી હૉસ્પિટલ ખોલી. શાળાનાં બાળકોમાં ફરજિયાત સ્વાસ્થ્ય ચકાસણી, બાળકલ્યાણ કેન્દ્રની સ્થાપના અને આરોગ્યખાતામાં અલગ મહિલાડાયરેક્ટરની નિમણૂક, ગરીબ છોકરીઓ માટે ફીમાં રાહત તથા રહેવા માટે છાત્રાલયની સગવડ જેવાં પ્રજાકલ્યાણનાં કાર્યો તેમણે હાથ ધર્યાં. દેવદાસીની પ્રથા પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કરાવ્યો. સ્ત્રીઓની વિવિધ સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલાં હતાં. ૧૯૩૧થી ૧૯૪૦ સુધી તેઓ ‘સ્ત્રી ધર્મ’ સામયિકના તંત્રીપદે રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા ‘અડિયાર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના તેમણે ૧૯૫૨માં કરી હતી. ૧૯૫૬માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માન્યાં હતાં.