તરતી હિમશિલા (iceberg)


તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફજથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય તો તેનો તળભાગ સમુદ્રજળમાં જેમ જેમ સરકતો જાય તેમ તેમ, તથા સમુદ્ર-પ્રવાહો અથવા અન્ય કારણોસર જ્યારે પણ તૂટીને છૂટો પડે ત્યારે તેને તરતી હિમશિલા તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિભાગો પરના હિમજથ્થા તેમના મૂળ માતૃજથ્થામાંથી તૂટી જાય અને ત્યાં જો દરિયાકિનારો હોય તો દરિયાના પાણીમાં સરકી જઈ તરતા રહે છે, અથવા નજીકના ભાગમાં પડ્યા રહે છે – આ પ્રકારને પણ તરતી હિમશિલા કહેવાય છે.

સમુદ્રજળમાં તરતી મહાકાય હિમશિલા

ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતા વિશાળ અકબંધ બરફજથ્થા એ સ્વયં દરિયાઈ બરફ છે અથવા તો સમુદ્ર મહાસાગરનો ઠરી ગયેલો ભાગ છે, જ્યારે તરતી હિમશિલા આવા બરફપટમાંથી કે હિમનદમાંથી તૂટીને, છૂટી પડીને સમુદ્રજળમાં સરકીને તરતો રહેતો ભાગ છે. આર્ક્ટિક અને ઍન્ટાર્ક્ટિક બંને વિસ્તારોના ખંડીય કે ટાપુઓ પરનાં હિમાવરણો જ્યાં તે દરિયા તરફ વિસ્તરતાં હોય ત્યાં તૂટીને હિમશિલાઓ તરતી રહેવાની સ્થિતિ પેદા થતી હોય છે. ગ્રીનલૅન્ડની હિમશિલાઓ દસ લાખ ટન વજન ધરાવતી હોવાનું માલૂમ પડેલું છે અને ઍન્ટાર્ક્ટિકની હિમશિલાઓ તો એથી પણ ઘણી મોટી હોય છે. તરતી હિમશિલાઓ કમાનાકાર, ગચ્ચામય, ઘુમ્મટાકાર, અણીઆકાર, મેજઆકાર, ખીણ જેવા કે ઝૂંપડી જેવડા પરિમાણવાળી હિમશિલાઓ વિવિધ આકારની હોય છે. તેમની ઉત્પત્તિથી માંડીને અસ્તિત્વ સુધી આયુકાળ ઠંડા ધ્રુવીય પ્રદેશમાં હોય ત્યારે ઘણો લાંબો હોઈ શકે છે; માત્ર ગરમ ઋતુકાળ દરમિયાન જ તે નહિવત્ ઓગળે છે, પરંતુ મહાસાગર પ્રવાહોની અસર હેઠળ જો તે સરકતાં સરકતાં હૂંફાળા જળમાં પહોંચે તો તે ઝડપથી ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને દરિયાઈ જળના 5O સે. થી 10O સે. તાપમાને થોડાક સપ્તાહમાં તેમજ 10O સે.થી વધુ તાપમાને થોડા દિવસોમાં ઓગળી જાય છે. જ્યારે આવી હિમશિલાઓ આગળ ધપતી જઈને દરિયાઈ જહાજોના અવરજવરના માર્ગમાં ક્યારેક આવી ચઢે અને જહાજો સાથે અથડાય તો ભારે ખુવારી સર્જે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તરતી હિમશિલા, પૃ. 701 અથવા જુઓ https://gujarativishwakosh.org/તરતી હિમશિલા/)