તરલા દલાલ


જ. ૩ જૂન, ૧૯૩૬ અ. ૬ નવેમ્બર, ૨૦૧૩

પાકશાસ્ત્રનાં નિષ્ણાત, રાંધણકળાનાં પુસ્તકોનાં લેખિકા તરલાબહેનનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તેઓનો ઉછેર પુણેમાં થયો હતો. ૧૯૬૦માં તેઓ નલિન દલાલને પરણી મુંબઈમાં સ્થાયી થયાં. તેમના પતિના પ્રોત્સાહનને લીધે તરલાબહેને રાંધણકળામાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તેઓએ વિદેશી વાનગીઓને શાકાહારી ઢબે રજૂ કરી. ૧૯૬૬માં તેઓએ આ માટેના વર્ગો પોતાના ઘરમાં શરૂ કર્યા. તેમની વાનગીની રીતમાં ચોક્કસ માપમાં કઈ સામગ્રી લેવી, તેમાંથી તબક્કાવાર વાનગી બનાવવાની રીત, ચોક્કસ માપ તથા કેટલી વ્યક્તિઓને વાનગી પૂરી પડશે તે બધી વાત ખૂબ ચોકસાઈથી મૂકતાં હતાં. પરિણામે નવા નિશાળિયા પણ તેમની વાનગીની રીત પ્રમાણે સહેલાઈથી બનાવી શકતા. આ પછી તેમની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધતી ગઈ. તેમનું નામ રાંધણકળાના સંદર્ભે ઘેર ઘેર જાણીતું થઈ ગયું. તેમના વર્ગમાં જોડાવા માટે છોકરીઓની લાંબી કતાર થવા લાગી. ૧૯૭૪માં વાનગીઓ બનાવવાનું પ્રથમ પુસ્તક ‘ધ પ્લેઝર ઑફ વેજિટેરિયન કૂકિંગ’ લખ્યું. ત્યારબાદ તેઓએ આશરે એકસો વિષયો પર રાંધણકળાનાં પુસ્તકો લખ્યાં. જેની ૩૦ લાખથી વધારે નકલ વેચાઈ. તેમનાં પુસ્તકોનો અનુવાદ હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ડચ અને રશિયન ભાષાઓમાં થયો છે. તેઓ કાયમ સમયની સાથે રહ્યાં અને સમયની માંગ મુજબ જે અનિવાર્ય હતું તે કરતાં ગયાં. તેઓએ ટીવી પર રાંધણકળાનો કાર્યક્રમ ચાલુ કર્યો – ‘કૂક ઇટ અપ વિથ તરલા દલાલ’ અને ‘તરલા દલાલ શો’ વગેરે. આ કાર્યક્રમો ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયા, ગલ્ફના દેશો, ઇંગ્લૅન્ડ તેમજ અમેરિકામાં પણ દર્શાવવામાં આવતા હતા. ૨૦૦૫માં તેઓને ‘વુમન ઑફ ધ યર’નું ટાઇટલ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મળ્યું. ૨૦૦૭માં રાષ્ટ્રપતિ ડૉ. કલામના હાથે ‘પદ્મશ્રી’ એનાયત થયો. પાકશાસ્ત્રમાં ‘પદ્મશ્રી’ મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય છે.