તાઇવાન


ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120° 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્ય ભૂમિથી અલગ પડેલો છે. તાઇવાનની દક્ષિણમાં આવેલી ‘બાશી ચૅનલ’ ફિલિપાઇન્સ ટાપુઓને તેનાથી અલગ પાડે છે. વળી તાઇવાનની ઉત્તરમાં ‘પૂર્વ ચીનનો સમુદ્ર’ તથા પૂર્વમાં ‘પૅસિફિક મહાસાગર’ આવેલા છે. મુખ્ય ટાપુ ઉપરાંત તાઇવાન ટાપુઓના જૂથમાં બીજા 15 ટાપુઓ તેમજ 64 જેટલા નાના નાના ‘પેસ્કાડૉર્સ દ્વીપસમૂહ’નો સમાવેશ થાય છે. આ બધાનું કુલ ક્ષેત્રફળ 36,188 ચોકિમી. જેટલું છે. ખેતી : સિંચાઈની સુવિધાવાળા ખીણપ્રદેશો તથા મેદાનોમાં ડાંગર, શેરડી, શણ, ઘઉં તથા કેળાં, લીચી, પીચ, અનેનાસ, તરબૂચ, નારંગી જેવાં ફળો અને શાકભાજીની ખેતી તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે.

કી-લંગ બંદર, તાઇવાન

પરંપરાગત રીતે તાઇવાન ખેતીપ્રધાન પ્રદેશ છે. છતાં ખૂબ ઓછા સમયમાં તેણે મોટી ઔદ્યોગિક પ્રગતિ સાધીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. અહીં ઉદ્યોગોનું વૈવિધ્ય વધારે છે. બધા ઉદ્યોગોમાં કાપડ-ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. આ સિવાય અહીં વીજ અને વીજાણુ (electronics) ભાગો અને ઉપકરણો, કાગળ, ખાંડ, તૈયાર કપડાં, ખાદ્ય ચીજોનું પ્રક્રમણ, રસાયણો, સિમેન્ટ, કાચ, સિગારેટ, રબર તથા ચામડાનો સરસામાન, છાપકામ તથા પ્રકાશન વગેરેને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. વાહનવ્યવહાર અને વ્યાપાર : ટાપુ પર આશરે 1,713 કિમી. લંબાઈના રેલમાર્ગો તથા 15,517 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે. પાટનગર તાઇપેઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે. ખાસ કરીને તેનો વિદેશવ્યાપાર કિનારા પરના કી-લંગ તથા નૈઋત્ય ખૂણે આવેલા કાઓ-સીયુંગ એ બે બંદરો દ્વારા ચાલે છે. તેના મોટા ભાગના વ્યાપારી સંબંધો જાપાન, યુ.એસ; હૉંગકૉંગ, વિયેતનામ, જર્મની, મલેશિયા, સિંગાપોર, કુવૈત વગેરે દેશો સાથે છે. વસ્તી અને વસાહતો : તાઇવાનની કુલ વસ્તી 2,33,96,000 (2024, આશરે) જેટલી હતી. ખાસ કરીને પશ્ચિમ કિનારાનાં મેદાનોમાં તથા તેને અડીને આવેલા ઊંચા પ્રદેશોમાં ગીચ વસ્તી જોવા મળે છે. આ ટાપુમાં શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 62% જેટલું છે. તાઇપેઈ એ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર તેમજ ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉપરાંત અહીં કી-લંગ, કાઓ-સીયુંગ, તાઇચુંગ, તાઇનાન વગેરે બીજાં અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાઇવાન, પૃ. 752 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાઇવાન/)