જ. ૧૦ જુલાઈ, ૧૯૦૪ અ. ૨૯ માર્ચ, ૧૯૮૭

ભારતના શાસ્ત્રીય સંગીતકાર, સરોદવાદક, બંગાળી-હિન્દી સિનેમાના સંગીતનિર્દેશક તેમજ ભારતીય સિમ્ફની ઑરકેસ્ટ્રાના પિતા. તિમિર બરનને પિતા જ્ઞાનેન્દ્ર ભટ્ટાચાર્ય પાસેથી સંગીત વારસામાં મળ્યું. કિશોરવયે ગુરુ રાજેન્દ્રનાથ પાસે હાર્મોનિયમ તથા સિતારની તાલીમ મેળવી. ત્યારબાદ મૈહર જઈને બાબા અલ્લાઉદ્દીન ખાનસાહેબ પાસે તેમજ ક્રમશ: ઉસ્તાદ અમિરખાનસાહેબ પાસે વિશેષ સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. ૧૯૧૩માં ન્યૂ થિયેટર્સ, કૉલકાતા સાથે સંગીતનિર્દેશન માટે જોડાયા. રવીન્દ્ર ભારતીય યુનિવર્સિટી સાથે પણ શિક્ષક તરીકે ઘણાં વર્ષો કાર્ય કર્યું. ૧૯૩૦માં નૃત્યકાર ઉદયશંકરનાં સર્જનોમાં સંગીતનિર્દેશક તરીકે જોડાઈને વિશ્વભરમાં કાર્યક્રમો આપ્યા. ૧૯૩૬માં કે. એલ. સાયગલઅભિનીત દેવદાસમાં સંગીતનિર્દેશન માટે તેઓ ખૂબ પ્રખ્યાત થયા. એ પછી ‘બંધન’, ‘ફૂટપાથ’, ‘અધિકાર’, ‘સંપત્તિ’, ‘દીપક’, ‘લક્ષ્મી’, ‘સુહાગન’, ‘કુમકુમ’, ‘રાજનર્તકી’ જેવી અનેક હિન્દી તેમજ બંગાળી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું. રવીન્દ્રસંગીતમાં પણ બરનનું ઘણું મોટું યોગદાન રહ્યું. ભારતમાં સિમ્ફની ઑરકેસ્ટ્રાની શરૂઆત કરી અને સિમ્ફની ઑરકેસ્ટ્રાના પિતા કહેવાયા. કે. એલ. સાયગલ, ગીતા દત્ત, તલદ મહેમૂદ જેવાં અનેક ગાયકોએ એમના સંગીતનિર્દેશનમાં કંઠ આપ્યો હતો. એમણે સંગીતબદ્ધ કરેલું વંદે માતરમનું કોરસ સિંગાપોર આકાશવાણી પરથી પણ પ્રસારણ પામ્યું હતું. એમની પત્નીનું નામ મોનિકા દેવી હતું. પુત્ર ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય ઉત્તમ સિતારવાદક હતા. બરનને સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘રોશન હૈ તેરે દમસે’, ‘પિયાબિન નહિ આવત ચૈન’, ‘બદલા હુઆ ઝમાના’, ‘મનકી મૈના બોલ રહી’, ‘બાલમ આયે બસો મેરે મનમેં’ વગેરે જેવાં અનેક ગીતો તે સમયે ખૂબ પ્રચલિત બન્યાં હતાં. ૧૯૭૯માં એમનું અંતિમ આલબમનું વિમોચન થયું. ૮૩ વર્ષની વયે એમનું અવસાન થયું.
અલ્પા શાહ