સીમમાં અને ખાસ કરીને ખેતરમાં દેખાતું અને સામાન્યપણે શિકારના પક્ષી તરીકે ઓળખાતું જાણીતું પક્ષી. શિકારનાં પક્ષીઓ ગૅલીફૉર્નિસ શ્રેણીનાં હોય છે. તેતરનો સમાવેશ આ શ્રેણીના ફૅસિનીડે કુળમાં થાય છે. કદમાં તેતર કબૂતર કરતાં સહેજ નાનું હોય છે. તેની લંબાઈ આશરે 33 સેમી. જેટલી થાય છે. ભારતના લગભગ બધા વિસ્તારોમાં જોવા મળતા આ પક્ષીના સહસભ્યો એશિયા, યુરોપ અને ઉત્તર આફ્રિકામાં પણ છે. તેતરનાં નર અને માદા લગભગ સમાન કદનાં હોય છે. તેના શરીરનો બાંધો મજબૂત અને સુવિકસિત હોય છે. તેની ચાંચ ટૂંકી પરંતુ મજબૂત હોય છે. ઉડ્ડયનની દૃષ્ટિએ નિર્બળ જણાતું તેતર, મુખ્યત્વે જમીન પરનું પક્ષી ગણાય છે. દોડવામાં તે ખૂબ પાવરધું હોવાથી રક્ષણ માટે પોતાની પાંખ કરતાં પગ ઉપર વધારે વિશ્વાસ રાખે છે. તેતરની આંગળીઓ નહોરવાળી હોય છે. અને જમીન ઉપર જીવન ગુજારતું હોવા છતાં રાત્રિવાસ માટે તે વૃક્ષ ઉપર ચઢી જાય છે.

ચિત્રાંગ અથવા તલિયા તેતર
આ પક્ષીને અનાજનાં ખેતરોમાં ટોળા-સ્વરૂપે ફરવું ગમે છે. આ ટોળામાં નર, માદા અને બચ્ચાં એકસાથે વિચરે છે. પગની આંગળીઓ નહોરયુક્ત હોય છે. તેથી ખોરાકના ગ્રહણમાં તે ચાંચ કરતાં પગનો ઉપયોગ વધારે કરે છે. તેના ખોરાકમાં મુખ્યત્વે ફળ, બીજ, કીટકો અને કૃમિઓનો સમાવેશ થાય છે. નહોરની મદદથી તે જમીન ખોતરે છે અને ધૂળ-સ્નાન પણ કરે છે. તેના પાચનમાર્ગમાં આવેલું અન્ન સંગ્રહાશય મોટા કદનું હોવાથી તેતર એકીસાથે ઘણું ખાઈ શકે છે. આથી જ કહેવત પડી છે કે ‘‘નાનું એવું તેતરડું, ખાય આખું ખેતરડું.’’ તેતરની પાંખો ગોળાકાર, ટૂંકી અને અલ્પવિકસિત જણાય છે. સ્વરતંત્રની સરળ રચના ધરાવતું હોવાથી, તે મધુર ગાયન ગાઈ શકતું નથી. તેતર સામાન્ય રીતે શીત ઋતુમાં સલામત સ્થળ પસંદ કરી, માળો બાંધે છે. પ્રજનનકાળ દરમિયાન માદાને આકર્ષવા માટે, પૂરી તાકાતથી, નર અવાજ કરે છે. એનો આ અવાજ ‘કીક્ કીરીરીરી, કીક્ કીરીરીરી’ તેવો સંભળાય છે. માદા માળામાં તે એકસાથે 6થી 9 ઝાંખા સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી બહાર નીકળતાં બચ્ચાં, જન્મતાંની સાથે દોડી શકે છે. તેતરનો સ્વભાવ મિલનસાર હોવાથી અત્યંત સાહજિકતાથી મનુષ્ય સાથે ભળી જાય છે. તેતરની ત્રણ જાતિઓ ભારતમાં સામાન્ય છે : (1) ચિત્રાંગ અથવા તલિયા તેતર (the painted partridge) : તેતરની આ જાતિ દક્ષિણ ભારતમાં વિશેષ રૂપે જોવા મળે છે.
દિલીપ શુક્લ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેતર, પૃ. 914 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેતર/)
