તેલ-અવીવ (સત્તાવાર રીતે તેલ-અવીવ જાફા – Tel-Aviv Jaffa)


ઇઝરાયલનું જેરૂસલેમ પછીનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 05´ ઉ. અ. અને 34° 48´ પૂ. રે.. મધ્યપૂર્વનું આ અત્યાધુનિક શહેર ઇઝરાયલનું મુખ્ય વ્યાપારી, નાણાકીય, ઔદ્યોગિક અને રાજકીય કેન્દ્ર છે. તે ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠે નૈઋત્ય તરફ આશરે 80 કિમી. તથા જેરૂસલેમથી વાયવ્ય હાઇફાથી આશરે 56 કિમી. દૂર આવેલું છે. વિસ્તાર : 1516 ચોકિમી., તેની વસ્તી : 41,56,000 (2023, આશરે) છે. ઇઝરાયલની રચના પહેલાં તે એકમાત્ર યહૂદી વસ્તી ધરાવતું નગર હોઈને તેના મધ્યવર્તી સ્થાનને લઈને તે વ્યાપારી, રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સૌથી વધારે મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું હતું. ઔદ્યોગિક કેન્દ્ર તરીકેના તેના વિકાસમાં મોટી સંખ્યામાં બહારથી આવેલ ટૅકનિકલ અને સંચાલકીય કૌશલ ધરાવતા લોકો અને મૂડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કાપડ, ઇલેક્ટ્રૉનિક્સ, ખાદ્ય-પ્રક્રમણ, રસાયણ, દવાઓ તથા યંત્રોના ઉત્પાદનને લગતા ઉદ્યોગો અહીં મુખ્ય છે. બૅંકો, શૅરબજાર, ચેમ્બર ઑવ્ કૉમર્સ તથા શ્રમ-સંઘનાં વડાં મથકો પણ તેલ-અવીવ ખાતે આવેલ છે. દેશના તમામ રાજકીય પક્ષોની વડી કચેરીઓ પણ અહીં છે. તેલ-અવીવમાંથી તમામ મુખ્ય અખબારોનું પ્રકાશન થાય છે.

ભૂમધ્ય સમુદ્રના કિનારે તેલ-અવીવ શહેર

1933માં હાઇફા ખાતે આધુનિક બંદરની શરૂઆત થતાં તેલ-અવીવ તથા જાફા ખાતેનાં નાનાં બંદરો બંધ કરવામાં આવ્યાં. રેલ માર્ગે તે હાઇફા, જેરૂસલેમ તથા બેરસેબા સાથે સંકલિત છે. ઇઝરાયલનાં તમામ નગરો સાથે તે અદ્યતન વિશાળ માર્ગોથી જોડાયેલું છે. લૉડ તેનું આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે. ઇલાથ તથા ગેલીલી સાથેનો વિમાની સંપર્ક સ્થાનિક હવાઈ મથકેથી થાય છે. ઇઝરાયલની કલા અને રંગમંચની પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ તેલ-અવીવ બની રહ્યું છે. ત્યાં આવેલાં હાબીમા અને ચૅમ્બર નાટ્યગૃહો સુપ્રસિદ્ધ છે. ઇઝરાયલી ફિલહાર્મોનિક ઑરકેસ્ટ્રા તથા ઑપેરા પણ અહીંનું આકર્ષણ છે. તેલ-અવીવ યુનિવર્સિટીની સ્થાપના 1956માં થઈ. ‘શેલોમ ટાવર્સ’ નામની 32 માળની બહુમાળી ઇમારત યુનિવર્સિટીના કૅમ્પસની આભામાં વધારો કરે છે. તેનો શરૂઆતનો વિકાસ જાફાથી દૂર ઉત્તર તરફ મુગરાબી ચૉક સુધીનો હતો. 1930ના દાયકા દરમિયાન દરિયાકાંઠાની સાંકડી રેતાળ પટ્ટીને પગલે પગલે ઉત્તરમાં આવેલ યાર્કોન નદી સુધી તે વિસ્તર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) પછી યહૂદી વસાહતીઓના ધસારાને સમાવવા માટે નવાં ઉપનગરો રચવામાં આવ્યાં અને તેનો વિસ્તાર નગરની પૂર્વ દિશાએ આગળ વધ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેલ-અવીવ, પૃ. 922 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેલ-અવીવ/)